Home Gujarat Ahmedabad Mospi Report Rajkot Surat Ahmedabad Top Self Employment Gujarat

ગુજરાતના લોહીમાં જ વસ્યો છે 'ધંધો' : સ્વરોજગારમાં રાજકોટ, સુરત અને અમદાવાદે દેશને બતાવ્યો રસ્તો

સ્વરોજગાર અંગેની પ્રતિકારાત્મક છબી
Image Credit: ai
Published by: Niraj Chokshi
Last Updated: Jul 04, 2026, 05:21 AM IST

અમદાવાદ: ગુજરાતને વર્ષોથી વેપાર, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેન્દ્ર સરકારના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)ના તાજેતરના અહેવાલે પણ આ ઓળખ પર સત્તાવાર મહોર મારી છે. 'લેબર માર્કેટ ડાયનેમિક્સ ઇન મિલિયન-પ્લસ સિટીઝ' શીર્ષક હેઠળ જાહેર કરાયેલા અહેવાલ મુજબ ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી ત્રણ શહેરો-રાજકોટ, સુરત અને અમદાવાદ સ્વરોજગારના મામલે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન પામ્યા છે. ખાસ કરીને રાજકોટમાં અડધાથી વધુ લોકો સ્વરોજગાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે, જે ગુજરાતની ઉદ્યોગસાહસિક સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે. આ અહેવાલ દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 46 શહેરોમાં કરવામાં આવેલા વ્યાપક સર્વે પર આધારિત છે. તેમાં રોજગારીના પ્રકાર, વ્યવસાયની પ્રકૃતિ અને આર્થિક પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. અહેવાલ દર્શાવે છે કે ગુજરાતમાં નોકરી શોધવા કરતાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની માનસિકતા વધુ મજબૂત છે, જે રાજ્યની આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ પરિબળ માનવામાં આવે છે.

રાજકોટમાં દરેક બેમાંથી એક વ્યક્તિ સ્વરોજગારી

અહેવાલ મુજબ રાજકોટ સ્વરોજગારના મામલે ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. શહેરમાં 50.4 ટકા લોકોએ પોતાને સ્વરોજગારી તરીકે ઓળખાવ્યા છે. એટલે કે શહેરમાં લગભગ દરેક બેમાંથી એક વ્યક્તિ પોતાનો વ્યવસાય અથવા સ્વતંત્ર રોજગાર કરી રહી છે. રાજકોટ બાદ સુરત બીજા સ્થાને છે, જ્યાં 42.4 ટકા લોકો સ્વરોજગાર સાથે સંકળાયેલા છે. જ્યારે અમદાવાદમાં 41.4 ટકા લોકો સ્વરોજગાર આધારિત વ્યવસાય કરે છે. ત્રણેય શહેરોના આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.

MoSPIના અહેવાલ મુજબ 46 મોટા શહેરોમાં સ્વરોજગારની સરેરાશ 35.1 ટકા છે, જ્યારે સમગ્ર શહેરી ભારતમાં આ સરેરાશ 40.4 ટકા નોંધાઈ છે. ગુજરાતના ત્રણેય શહેરો આ બંને સરેરાશ કરતાં આગળ છે, જે રાજ્યની વેપારી સંસ્કૃતિ અને ઉદ્યોગસાહસિક અભિગમને દર્શાવે છે.

આ પણ વાંચો: અંગ્રેજી પેપર વિવાદ બાદ હવે નવા આક્ષેપોથી ફરી ઘેરાઈ NTA : UGC NET 2026ના Sociology પેપરમાં મોટો છબરડો! જાણીતા સમાજશાસ્ત્રીઓના નામ જ ખોટા

દેશના અન્ય મહાનગરો સામે પણ ગુજરાતનું પ્રદર્શન મજબૂત

અહેવાલમાં દેશના અન્ય મહાનગરોના આંકડાઓ પણ સામે આવ્યા છે. કોલકાતામાં 39.6 ટકા, દિલ્હીમાં 37.9 ટકા, ગ્રેટર મુંબઈમાં 32.8 ટકા અને ચેન્નાઈમાં માત્ર 24.1 ટકા લોકો સ્વરોજગાર સાથે જોડાયેલા હોવાનું નોંધાયું છે. જો કે સમગ્ર દેશના ક્રમની વાત કરીએ તો ગ્વાલિયર 64.7 ટકા સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ વારાણસી (64.2 ટકા), પ્રયાગરાજ (55.9 ટકા) અને જોધપુર (55.4 ટકા) જેવા શહેરો પણ સ્વરોજગારના મામલે રાજકોટથી આગળ છે. તેમ છતાં ગુજરાતના ત્રણ મોટા શહેરો દેશના ટોચના પ્રદર્શન કરનારા શહેરોમાં સામેલ થવું રાજ્ય માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવે છે.

પ્રોપ્રાયટરશિપ અને પાર્ટનરશિપ બિઝનેસમાં સુરતની મજબૂત સ્થિતિ

અહેવાલ માટે દેશભરમાં લગભગ 60 હજાર લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી 8 હજારથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું કે સુરતમાં 83.2 ટકા લોકો પ્રોપ્રાયટરશિપ અથવા પાર્ટનરશિપ આધારિત સંસ્થાઓમાં કાર્યરત છે. આ શ્રેણીમાં સુરત દેશના 46 શહેરોમાં પાંચમા ક્રમે છે. સુરતથી આગળ આગ્રા (86.6 ટકા), વારાણસી (86.5 ટકા), પ્રયાગરાજ (84.1 ટકા) અને લુધિયાણા (83.7 ટકા) છે.રાજકોટમાં પણ 78.3 ટકા લોકો પ્રોપ્રાયટરશિપ અથવા પાર્ટનરશિપ આધારિત વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું નોંધાયું છે. બંને શહેરોમાં આ પ્રકારના વ્યવસાયનો હિસ્સો દેશના મોટાભાગના શહેરો કરતાં વધુ છે.

આ પણ વાંચો: એરફોર્સમાં નોકરી અને ક્રિકેટમાં સિલેક્શનની લાલચ : ગુજરાત કોલેજના પ્રોફેસર પર વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો આરોપ

મેન્યુફેક્ચરિંગ અને વેપાર રોજગારીના સૌથી મોટા આધાર

ગુજરાતના આર્થિક માળખામાં મેન્યુફેક્ચરિંગ અને વેપારની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોવાનું પણ અહેવાલમાં સામે આવ્યું છે. સુરતમાં 51 ટકા લોકો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં કાર્યરત છે, જે દેશના મોટા શહેરોમાં સૌથી ઊંચા આંકડાઓમાંનો એક છે. રાજકોટમાં આ આંકડો 42.5 ટકા છે, જ્યારે અમદાવાદમાં 31 ટકા લોકો ઉત્પાદન ક્ષેત્ર સાથે જોડાયેલા છે. વેપાર ક્ષેત્ર પણ રોજગારીનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. સુરતમાં 20 ટકા લોકો હોલસેલ અને રિટેલ વેપારમાં કાર્યરત છે. અમદાવાદમાં આ આંકડો 16 ટકા અને રાજકોટમાં 15 ટકા નોંધાયો છે. આ બંને ક્ષેત્રોને મળીને જોવામાં આવે તો સુરત, રાજકોટ અને અમદાવાદમાં કુલ રોજગારીના 47થી 71 ટકા સુધીનો હિસ્સો મેન્યુફેક્ચરિંગ અને વેપાર ક્ષેત્રમાંથી આવે છે.

આ પણ વાંચો: UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! : ગુજરાત સરકાર આપશે રૂ. 2.05 લાખ સુધીની પ્રોત્સાહન સહાય

ગુજરાતના વિકાસ મોડેલને વધુ મજબૂતી

આ આંકડાઓ માત્ર રોજગારીનું ચિત્ર રજૂ કરતા નથી, પરંતુ ગુજરાતના આર્થિક મોડેલની વિશેષતાઓ પણ ઉજાગર કરે છે. રાજ્યમાં લાંબા સમયથી વેપારને અનુકૂળ વાતાવરણ, મજબૂત ઔદ્યોગિક માળખું, MSME ક્ષેત્રનો વિકાસ, હીરા, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને કેમિકલ ઉદ્યોગોની હાજરી તેમજ પરિવારીક વ્યવસાયની પરંપરાએ સ્વરોજગારને પ્રોત્સાહન આપ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે સ્ટાર્ટઅપ્સ, નાના અને મધ્યમ ઉદ્યોગો તથા સ્થાનિક વેપારને મળતી નીતિગત મદદના કારણે ગુજરાતમાં સ્વરોજગારની સંસ્કૃતિ સતત મજબૂત બની રહી છે. આગામી વર્ષોમાં 'મેક ઇન ઇન્ડિયા', 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' અને MSME પ્રોત્સાહન યોજનાઓનો લાભ મળતાં રાજ્યમાં સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાનો વ્યાપ વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

MoSPIનો આ અહેવાલ ફરી એકવાર દર્શાવે છે કે ગુજરાત માત્ર ઔદ્યોગિક ઉત્પાદનનું કેન્દ્ર જ નથી, પરંતુ દેશના સૌથી મજબૂત ઉદ્યોગસાહસિક રાજ્યોમાં પણ અગ્રેસર છે. ખાસ કરીને રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા શહેરો સ્વરોજગારના ક્ષેત્રમાં દેશ માટે પ્રેરણારૂપ મોડેલ તરીકે ઉભરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now