Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે પ્રવાસ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને તેના માટે ઊભા કરવામાં આવતા ટાવરો માટે રાજ્ય સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિનું સ્વાગત કર્યું છે. તેમણે રાજ્ય સરકારના નિર્ણયને "ઐતિહાસિક" ગણાવતા કહ્યું કે આ પગલાથી ખેડૂતોને વધુ ન્યાય મળશે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના કારણે અસરગ્રસ્ત જમીન માટે સરકાર દ્વારા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે, જે આવકારદાયક નિર્ણય છે. તેમના જણાવ્યા મુજબ હવે ખેડૂતોને તેમની જમીનનું બજારભાવ આધારિત વળતર મળશે.
રજૂઆતોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે અત્યાર સુધી વીજ લાઈન માટે જમીનની જંત્રી કિંમતના 200 ટકા મુજબ વળતર ચૂકવવામાં આવતું હતું. આ મુદ્દે ખેડૂતો અને વિવિધ સંગઠનો તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી.
તેમણે કહ્યું કે આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી વ્યવસ્થા મુજબ ખેડૂતોને બજાર કિંમતના આધારે વળતર ચૂકવવામાં આવશે, જે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો: મોરબી વિજપોલ વળતર મુદ્દે સરકારનો સંવેદનશીલ નિર્ણય : કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ બમણું વળતર ચૂકવવાની કરી જાહેરાત
જગદીશ વિશ્વકર્માએ આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે રાજ્ય સરકારની નવી વળતર નીતિને લઈને વિવિધ રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનો તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.





