Home Gujarat Vadodara Food Safety Drive Stale Food Seized Vmc

વડોદરામાં ફૂડ સેફ્ટીના ધજાગરા : રંગવાળા મસાલા, વાસી ખોરાક અને દુષિત ગ્રેવી ઝડપાઈ, 14.5 કિલો જથ્થો સ્થળ પર જ નાશ

વડોદરામાં ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા ફૂડ વેન્ડિંગ યુનિટની તપાસ
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2026, 02:52 PM IST

Vadodara News: વડોદરામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થોના વેચાણ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ ફૂડ ઝોનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન રંગવાળા મસાલા, વાસી ખાદ્યપદાર્થો અને દુષિત ગ્રેવી સહિતનો કુલ 14.5 કિલો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.

આ કામગીરી દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા 'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' મોબાઇલ લેબ સાથે વડોદરાના રાત્રી બજાર, છાણી ફૂડ કોર્ટ અને અકોટા સ્ટેડિયમ વિસ્તારના ફૂડ એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં કુલ 29 હોકર અને 16 ફૂડ વેન્ડિંગ યુનિટ સહિત 45 એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

79 નમૂનાઓની તપાસ, 10 શંકાસ્પદ મળ્યા

તપાસ દરમિયાન સ્થળ પર જ કુલ 79 ખાદ્યપદાર્થોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંના 10 નમૂનાઓ શંકાસ્પદ જણાતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે કુલ 14.5 કિલો જેટલો અખાદ્ય અને હાનિકારક જથ્થો નષ્ટ કર્યો હતો.

સાથે જ 121 ફૂડ વેન્ડર્સ અને કર્મચારીઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સના શિડ્યૂલ-4 મુજબ સ્વચ્છતા, ખાદ્યપદાર્થોના સંગ્રહ અને ગુણવત્તા જાળવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

કયા એકમોમાં શું ઝડપાયું?

તપાસ દરમિયાન વિવિધ ફૂડ એકમોમાંથી નીચે મુજબનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો:

  • ઓમ સિંગ એન્ડ ફરસાણ (અકોટા): રંગવાળા રોસ્ટેડ વટાણાનો 4 કિલો જથ્થો.

  • માં પંજાબી (રાત્રી બજાર): રંગવાળી પંજાબી શાકની ગ્રેવીનો 2 કિલો જથ્થો.

  • રાજસ્થાન કુલ્ફી હાઉસ (રાત્રી બજાર): વાસી પાઇનેપલ જ્યુસ, સ્ટ્રોબેરી જ્યુસ, માવા રબડી અને માવા કુલ્ફી મળી કુલ 1.5 કિલો જથ્થો.

  • બોમ્બે મોમોઝ (રાત્રી બજાર): 500 ગ્રામ વાસી મોમોઝ.

  • શેરે પંજાબ (છાણી ફૂડ કોર્ટ): 2.5 કિલો વાસી બાફેલી નૂડલ્સ.

  • ઢોસા સેન્ટર (છાણી ફૂડ કોર્ટ): 4 કિલો વાસી કોપરાની ચટણી.

    આરોગ્ય વિભાગની કડક ચેતવણી

    આ કાર્યવાહી બાદ ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ કરનાર એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    મહાનગરપાલિકાએ પણ જણાવ્યું છે કે શહેરમાં આવા આકસ્મિક ચેકિંગ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ફૂડ સેફ્ટી વિભાગનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે તેમજ નિયમોનું પાલન ન કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now