Gandhinagar News: છેલ્લા ઘણા દિવસોથી વીજપોલ અને વીજલાઇનના વળતર મુદ્દે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન વચ્ચે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વનો અને કલ્યાણકારી નિર્ણય જાહેર કર્યો છે. ગાંધીનગરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના વડાઓ સાથે સતત બેઠકો યોજ્યા બાદ ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને આ નવી નીતિ જાહેર કરવામાં આવી છે.
સરકાર ખેડૂતોની ચિંતાઓ પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ હોવાનું જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૨ દિવસથી આ મુદ્દે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. તમામ પાસાઓ અને લાંબા ગાળાની અસરો પર ઝીણવટભરી ચર્ચા કર્યા બાદ નવી નીતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
હવે જંત્રીને બદલે બજાર ભાવના 200% દરે વળતર મળશે. વીજ ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના 1 મીટરની ગણતરી કરીને વધુ વિસ્તારનું વળતર ચૂકવાશે. 765 KV લાઇનમાં 625 ચો.મી.ના બદલે હવે 729 ચો.મી.નું વળતર મળશે. ખેડૂતોને હવે 100% વળતર એક જ વખત અગાઉથી ચૂકવાશે. અગાઉની જેમ ત્રણ હપ્તામાં ચુકવણી નહીં થાય. જમીનની બજાર કિંમત નક્કી કરવા માર્કેટ રેટ કમિટી (MRC) રચાશે, જેમાં કલેક્ટર, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ અને અધિકૃત માર્કેટ વેલ્યુઅરને સ્થાન મળશે.
રાઇટ ઓફ વે (ROW) માટે બજાર કિંમતના આધારે વળતર..
ગ્રામ્ય વિસ્તાર: 30%
નગરપાલિકા વિસ્તાર: 45%
મહાનગરપાલિકા વિસ્તાર: 60%
જેમણે જૂના દરે વળતર મેળવ્યું છે પરંતુ વીજ લાઇનનું કામ હજુ ચાલુ છે, તેવા ખેડૂતોને પણ નવી નીતિનો લાભ મળશે.
નવી નીતિની મુખ્ય વિગતો અને ખેડૂતોને થનારા ફાયદાઓ નીચે મુજબ છે..
૧. જંત્રી નહીં, હવે બજાર કિંમતના બમણા દરે મળશે વળતર
અત્યાર સુધી જે ખેડૂતોની જમીનમાંથી વીજલાઇન પસાર થતી હતી, તેમને જંત્રીના આધારે બમણા દર મુજબ વળતર ચૂકવવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે આ નિયમમાં મોટો બદલાવ કર્યો છે. નવી જાહેરાત મુજબ, હવે જંત્રીના બદલે જમીનની વર્તમાન બજાર કિંમત (માર્કેટ રેટ) ધ્યાને રાખીને તેના બમણા દરે વળતર ચૂકવાશે, જેનાથી ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થશે.
૨. વીજટાવર માટે વધારાની જમીનનું પણ વળતર
વીજટાવરથી અસરગ્રસ્ત ખેડૂતો માટે પણ સરકારે ઉદારતા દાખવી છે. અગાઉ માત્ર ટાવરના પાયા જેટલી જ જમીનનું વળતર મળતું હતું. હવેથી નવી નીતિ અનુસાર, ટાવરના દરેક પાયાની ચારેય બાજુના વધારાના એક મીટર વિસ્તારને પણ વળતરમાં આવરી લેવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને તેમની જમીન રોકાવા સામે વધુ યોગ્ય ન્યાય મળશે.
૩. સંપૂર્ણ વળતર હવે એકસાથે ચૂકવાશે
પહેલાં વળતરની રકમ અલગ-અલગ તબક્કાવાર (ઇન્સ્ટોલમેન્ટમાં) ચૂકવવામાં આવતી હતી, જેના કારણે ખેડૂતોને સરકારી ઓફિસોના ધક્કા ખાવા પડતા અને લાંબી રાહ જોવી પડતી હતી. ખેડૂતોની આ મુશ્કેલીનો અંત આણતા સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી વળતરની તમામ રકમ એકસાથે (Single Payment) જ ચૂકવી દેવામાં આવશે.
૪. બજારભાવ નક્કી કરવા બનશે વિશેષ સમિતિ (MRC)
જમીનની વાસ્તવિક બજાર કિંમત (Market Real Value) નક્કી કરવા માટે પારદર્શી વ્યવસ્થા ઊભી કરાશે. આ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે, જેમાં જિલ્લા કલેક્ટર, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિઓ, સંબંધિત વીજ કંપનીના પ્રતિનિધિઓ. આ સમિતિ જે બજારભાવ નક્કી કરશે, તેના આધારે વળતરની આખરી રકમ ફાઇનલ કરવામાં આવશે.
5. જૂના કેસોમાં પણ વળતરના તફાવતની ચૂકવણી
નવી નીતિની સૌથી મોટી અને રાહત આપનારી બાબત એ છે કે, જે ખેડૂતોને અગાઉ જૂના નિયમો (જંત્રી આધારિત) મુજબ વળતર મળી ચૂક્યું છે, તેમને પણ આનો લાભ મળશે. જૂના વળતર અને નવી નીતિ હેઠળ મળવાપાત્ર વળતર વચ્ચેની જે તફાવતની રકમ (Difference) હશે, તે પણ સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે.
"ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થશે"
અંતે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ખેતીની જમીનની બજાર કિંમત ઘણી ઊંચી છે. તેથી માર્કેટ રેટના આધારે બમણું વળતર આપવાના આ ઐતિહાસિક નિર્ણયનો સીધો અને સૌથી મોટો લાભ રાજ્યના હજારો ખેડૂતોને મળશે. સરકારનો એકમાત્ર હેતુ જગતના તાતને પ્રત્યેક સ્તરે યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાનો છે. સરકારના આ હકારાત્મક વલણ અને ક્રાંતિકારી નિર્ણયોથી ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો સુખદ અંત આવ્યો છે.






