Gujarat Monsoon2026: રાજ્યમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાસ કરીને સુત્રાપાડા અને વડોદરા પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
સુત્રાપાડામાં આભ ફાટ્યું: 3 દિવસમાં 25 ઇંચ આફત
સૌરાષ્ટ્રના સુત્રાપાડામાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. અહીં માત્ર ત્રણ જ દિવસમાં આશરે ૨૫ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક પાણીમાં ડૂબી ગયો છે. ટૂંકા ગાળામાં આટલો ભારે વરસાદ પડવાને કારણે નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારો સંપર્કવિહોણા બન્યા છે.
જૂનાગઢનો ઐતિહાસિક રસાલા ડેમ ઓવરફ્લો : ઉપરવાસના વરસાદથી પાણીની આવક
વડોદરાના ઝાલા ગામમાં જળબંબાકાર: ઘરો અને ખેતરો ગરકાવ
બીજી તરફ, વડોદરાના ઝાલા ગામમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ઝાલા ગામના સીમ વિસ્તારો અને હજારો એકરના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. એટલું જ નહીં, પૂરના પાણી ગામમાં ઘૂસી જતાં અનેક ઘરો પાણીમાં ડૂબી ગયા છે. ગામમાં ચારે તરફ માત્ર જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
ડ્રોન કેમેરામાં કેદ થયો ચોંકાવનારો નજારો
ઝાલા ગામ અને તેની આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ કેટલી ગંભીર છે, તે ડ્રોન દૃશ્યો દ્વારા સામે આવ્યું છે. ડ્રોનથી લેવાયેલા આ અદભૂત અને ચોંકાવનારા નજારામાં આખું ગામ એક બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી માત્ર પાણી જ પાણી નજરે પડે છે.
ભાવનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર : શહેર સહિત પાલીતાણા અને સિહોરમાં ધોધમાર વરસાદ
વહીવટી તંત્ર એક્શન મોડમાં: સ્થાનિકોને અપીલ
સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. અધિકારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખી રહી છે અને પ્રભાવિત લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરીમાં વ્યસ્ત છે. તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોને સંપૂર્ણ સાવચેતી રાખવા અને કોઈ અનિવાર્ય કે જરૂરી કામ ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સખત અપીલ કરવામાં આવી છે.






