Jamnagar News: જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી કરવા ગયેલા ખાણ અને ખનીજ વિભાગના અધિકારી પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. અધિકારી ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હુમલો થતાં ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, જોડિયા તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થઈ રહ્યું હોવાની માહિતીના આધારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર કાર્યવાહી કરવા પહોંચ્યા હતા. દરમિયાન ખનન સાથે સંકળાયેલા કેટલાક શખ્સોએ અધિકારીનો વિરોધ કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ
ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ફરજમાં રૂકાવટ, હુમલો અને અન્ય સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.પોલીસ હુમલામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. ઘટનાને લઈને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી દરમિયાન સરકારી અધિકારી પર હુમલો થવાની ઘટનાએ કાયદો-વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.





