Home Gujarat Vadodara Polices Operation Parakram

વડોદરા પોલીસનું ઓપરેશન 'પરાક્રમ'! : ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો!, બે આરોપીઓને દબોચ્યા, એક વોન્ટેડ જાહેર

વડોદરા પોલીસનું  ઓપરેશન 'પરાક્રમ'!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 07:15 AM IST

Vadodara Crime News : ઓપરેશન “પરાક્રમ” અંતર્ગત વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ મથક અને એલસીબીની ટીમે ઘરફોડ ચોરીના એક કેસનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વરણામાં પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા રામનાથ ગામમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે આ ચોરીમાં સામેલ અન્ય એક આરોપી ફરાર હોવાનું બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલ્યો!

વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ મથકની હદમાં આવતા રામનાથ ગામમાં એક ઘરમાંથી રૂ. 7,00,000થી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઈ હતી. ગંભીર ચોરીની ફરિયાદ નોંધાતાની સાથે જ વરણામાં પોલીસ અને એલસીબીની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ બે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વારસિયા ગામમાં રહેતા દિલદારસિંગ તુફાનસિંગ બાવરી (સરદાર) આ ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે તારસિંગને દબોચ્યો

પોલીસે દિલદારસિંગ તુફાનસિંગ બાવરીને અટકાયત કરી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીએ ચોરીનો મુદ્દામાલ તેના ઘરની પાછળ આવેલા ખેતરમાં છુપાવ્યો હોવાની પણ માહિતી આપી હતી. આ કબૂલાતના આધારે પોલીસ તપાસ આગળ વધારતા જાણવા મળ્યું હતું કે આ ગુનામાં તારસિંગ બલ્લુસિંગ બાવરી અને ગુરમુખસિંગ બલ્લુસિંગ બાવરી પણ સામેલ હતા. જેના આધારે પોલીસે તારસિંગ બલ્લુસિંગ બાવરીને પણ ઝડપી પાડ્યો હતો.

આરોપીને વોન્ટેડ જાહેર કર્યા

આ ચોરીમાં સામેલ ગુરમુખસિંગ બલ્લુસિંગ બાવરી હાલ ફરાર હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વરણામાં પોલીસ મથક અને એલસીબી ટીમની આ સફળ કામગીરીથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશ મળ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ઓપરેશન “પરાક્રમ” અંતર્ગત ગુનાહિત તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now