Home Gujarat Vadodara Vaghodiya Dev Nadi Crocodile Attack Teen Missing

વડોદરામાં દેવ નદીનાં કિનારે બની ખતરનાક ઘટના : 22 વર્ષના યુવકને જીવતા ખેંચી ગયો મગર

યુવકની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 07, 2026, 11:09 AM IST

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકોના કાકડીપુરા ગામ પાસે આવેલી દેવ નદીના કિનારે એક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ ઉભો કર્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે થોડી ઠંડક મેળવવા માટે નદી કિનારે ગયેલા 22 વર્ષનાં યુવક મિથુન વસાવા પર મગરે જીવલેણ હુમલો કર્યો. કાકડીપુરામાં રહેતો મિથુન બપોરના સમયે ગરમીથી કંટાળી દેવ નદીના કિનારે ગયો હતો. તે માત્ર હાથ-પગ ધોઈને તાજગી મેળવવા માટે નદીના કિનારે ઉભો હતો ત્યારે પાણીમાં છુપાયેલા મગરએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. મગરએ મિથુનના પગને મજબૂતીથી પકડી લીધો અને પળવારમાં જ તેને પાણી તરફ ખેંચવા લાગ્યો.

ગ્રામજનોને ઘટનાએ કર્યા સ્તબ્ધ

મિથુને પોતાને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો અને તેની બૂમો સાંભળીને નજીકમાં હાજર ગ્રામજનો દોડી આવ્યા હતા. જોકે, મગરની ઝડપ એટલી વધુ હતી કે કોઈ પણ વ્યક્તિ તેને બચાવે તે પહેલાં જ મગર તેને ઊંડા પાણીમાં ખેંચીને લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ગામલોકોની આંખો સામે બની હોવાથી લોકોમાં ભારે ભય અને અશક્તિની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટના બાદ સમગ્ર કાકડીપુરા અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. મિથુનના પરિવારજનો માટે આ ઘટના અત્યંત દુખદ અને આઘાતજનક બની છે, જ્યારે ગામમાં શોક અને અરેરાટીનો માહોલ છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ ભાજપના નવા મુખ્યમંત્રી પદગ્રહણ કરશે : ગુજરાતના CM અને DyCM આપશે હાજરી

તંત્ર સતર્ક

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મગરોની હાજરી અને પાણીના ઊંડાણને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી ખૂબ જ સાવચેતી પૂર્વક હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને નદીના કિનારે ન જવા માટે કડક ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ઉનાળામાં પાણીની આસપાસ જવાની વધતી પ્રવૃત્તિઓના કારણે જોખમ વધી જાય છે તેથી લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: 2 કરોડની કરન્સી લૂંટનું કાવતરું ખુલ્લું પડ્યું : આણંદથી મિત્રો બોલાવી વેપારીની આંખમાં મરચું નાખનાર સુરજ સલાટ જેલભેગો

મગરોની વધતી હાજરી ચિંતાજનક

દેવ નદી અને આસપાસના જળાશયોમાં મગરોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેનાથી લોકોમાં સતત ભયનો માહોલ છે. ખાસ કરીને નદી કિનારે જતા બાળકો અને યુવાનો માટે આ ખતરો વધુ ગંભીર બની રહ્યો છે. ઉનાળાની ઋતુમાં પાણીનું સ્તર ઘટે ત્યારે મગરો વધુ દેખાવા લાગે છે અને ખોરાકની શોધમાં તેઓ કિનારા નજીક આવી જાય છે જેના કારણે આવા હુમલાઓની શક્યતા વધી જાય છે.

મિથુન વસાવાનો હાલ કોઈ પત્તો લાગ્યો નથી અને સર્ચ ઓપરેશન ચાલુ છે. આ ઘટના ફરી એકવાર માનવ અને વન્યજીવન વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે. હવે તંત્ર દ્વારા લાંબા ગાળાના પગલાં લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે, આ ઘટનાએ સ્થાનિક લોકોમાં એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે પ્રકૃતિ સાથે સંકળાયેલા વિસ્તારોમાં સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now