વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના વારસીયા વિસ્તારમાં મની એક્સચેન્જના વેપારીને નિશાન બનાવી રૂ. 2 કરોડથી વધુની વિદેશી કરન્સીની લૂંટ ચલાવનાર ગેંગના વધુ એક વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. વાઘોડિયા રોડ પરથી પકડાયેલ 21 વર્ષીય સુરજ મનોજભાઈ સલાટે આ સમગ્ર લૂંટના કાવતરામાં મહત્વની કડી તરીકે કામ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ ધરપકડ સાથે જ પોલીસે આ ચકચારી લૂંટના કાવતરાના તમામ છેડાઓનો પર્દાફાશ કરી દીધો છે.
આંખમાં મરચાની ભૂકી નાખી ચલાવી હતી લૂંટ
ઘટનાની વિગતો મુજબ, ગત 16 જાન્યુઆરીના રોજ મની એક્સચેન્જ અને ગિફ્ટ શોપ ધરાવતા વૃદ્ધ વેપારી લીલારામ રેવાણી પોતાની દુકાન વધારીને રાત્રિના સમયે વારસીયા રિંગ રોડ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન અગાઉથી રેકી કરીને ટાપીને બેઠેલા ચાર શખ્સોએ વેપારીને આંતર્યા હતા. લૂંટારુઓએ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી, તેમને માર મારીને તેમની પાસે રહેલી બેગ આંચકી લીધી હતી. આ બેગમાં 19થી વધુ દેશોની વિદેશી કરન્સી અને ભારતીય ચલણ મળી કુલ રૂ. 2 કરોડથી વધુની મત્તા હતી.
વડોદરામાં 'રક્ષક જ ભક્ષક' બન્યા: પોલીસકર્મીઓ પર યુવકને માર મારવાનો આક્ષેપ
આરોપી સુરજ સલાટની ભૂમિકા: આણંદથી બોલાવ્યા હતા સાગરીતો
ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરજ સલાટે જ આ લૂંટ માટે 'મેન પાવર' પૂરો પાડ્યો હતો. સુરજ આ કેસના મુખ્ય સૂત્રધાર રાહુલ મારવાડીનો સંબંધી છે. તેણે જ આણંદથી પોતાના પાંચ મિત્રો (અતુલ, આકાશ, રવિ અને હિરેન) ને વડોદરા બોલાવ્યા હતા અને તેમની મુલાકાત રાહુલ તથા વિનોદ મારવાડી સાથે કરાવી હતી. લૂંટ પહેલા વેપારીના ઘર અને ઓફિસની અનેકવાર રેકી કરવામાં પણ સુરજે સક્રિય ભૂમિકા ભજવી હતી.
બાતમીના આધારે વાઘોડિયા રોડ પરથી ધરપકડ
લૂંટની ઘટના બાદ સુરજ સલાટ પોલીસની પકડથી બચવા નાસતો ફરતો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સુરજ વાઘોડિયા રોડ પર આવેલા વુડાના મકાનોમાં છુપાયો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી વોન્ટેડ હોવાથી તેની ધરપકડ પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવે છે.
કેસની અત્યાર સુધીની પ્રગતિ: 8 આરોપીઓ જેલના સળિયા પાછળ
આ હાઈ-પ્રોફાઈલ લૂંટ કેસમાં વડોદરા પોલીસે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓને જેલભેગા કર્યા છે. અગાઉ પકડાયેલા આરોપી શનાભાઈ વાઘેલા, આકાશ દેવીપુજક, રવિ ઠાકોર, અતુલ દેવીપુજક, હિરેન વસાવા, રાહુલ મારવાડી અને અનિલ પરમાર સામેલ હતા. નોંધનીય છે કે, પોલીસે અગાઉ હિરેન વસાવા પાસેથી લૂંટાયેલી વિદેશી કરન્સીનો મોટો જથ્થો પણ રિકવર કરી લીધો હતો. હવે પોલીસ તપાસ કરી રહી છે કે લૂંટનો અન્ય કોઈ હિસ્સો અથવા મુદ્દામાલ ક્યાંય છુપાવવામાં આવ્યો છે કે કેમ.





