Home Gujarat Vadodara Vadodara Immigration Fraud Fake Visa Finland Albania

વિદેશના બતાવાયા સપના, વિઝાનાં કરાયા વાયદા : ખિસ્સા ખાલી થતા ગુજરાતીઓને થઈ ઠગાયા હોવાની જાણ

અકોટો પોલીસ સ્ટેશનની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 07, 2026, 11:46 AM IST

વડોદરા શહેરમાં ઈમિગ્રેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં નકલી વિઝા અને વર્ક પરમિટના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને અકોટા ખાતે ઈમિગ્રેશન કન્સલ્ટન્સી ચલાવતા વેપારીને નોઈડાના એક ભેજાબાજે પોતાના જાળમાં ફસાવી આશરે ₹70 લાખની ઠગાઈ આચરી છે. ‘જીયા ઈમિગ્રેશન’ નામે ઓફિસ ચલાવતા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલને જાન્યુઆરી 2025માં વિદેશી નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ અંકિત ઉર્ફે અક્ષિત ઉર્ફે રાજ ઉર્ફે રોકી પટેલ હોવાનું જણાવ્યું હતું અને પોતે એક અનુભવી ઈમિગ્રેશન એક્સપર્ટ હોવાનો દાવો કર્યો હતો. તેણે ફિનલેન્ડ અને આલ્બેનિયા માટે સરળતાથી વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપી વિશ્વાસ ઉભો કર્યો હતો.

વીડિયો કોલથી વિશ્વાસ જીતાયો

વીડિયો કોલ અને સતત સંપર્ક દ્વારા આરોપીએ મેહુલભાઈનો વિશ્વાસ જીત્યો હતો. તેના વિશ્વાસમાં આવીને મેહુલભાઈએ પોતાના ગ્રાહકો માટે વિઝા પ્રક્રિયા શરૂ કરી. કુલ 16 ગ્રાહકો પાસેથી વર્ક પરમિટ માટે નાણાં એકત્રિત કર્યા હતા. જેમાં તેમના પોતાના 10 અને અન્ય એજન્ટોના 6 ગ્રાહકો સામેલ હતા. આ સમગ્ર પ્રક્રિયામાં આલ્બેનિયા માટે 4 ગ્રાહકો પાસેથી અંદાજે ₹18 લાખ અને ફિનલેન્ડ માટે 6 ગ્રાહકો પાસેથી ₹39 લાખ વસૂલવામાં આવ્યા હતા. અન્ય એજન્ટોના ગ્રાહકો સહિત કુલ રકમ ₹78 લાખ સુધી પહોંચી હતી. આરોપીના કહેવા પ્રમાણે એપ્રિલથી ઓગસ્ટ 2025 વચ્ચે આશરે ₹70 લાખ આંગડીયા મારફતે દિલ્હીના સરનામે મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાચો: જેલની સીમામાં જન્મેલો એક અનોખો સંબંધ : દુનિયાએ રોક્યો ઘણો પણ દિલે ક્યારેય ના માન્યા બંધન, જાણો અજબ પ્રેમની ગજબ કહાની

નકલી ડોક્યુમેન્ટ્સથી ભાંડો ફૂટ્યો

નાણાં મેળવ્યા બાદ આરોપીએ મેહુલભાઈને વોટ્સએપ મારફતે વિઝા, વર્ક પરમિટ, ઓફર લેટર અને એમ્બેસીની ફી ભર્યાની રસીદો મોકલી આપી હતી. આ ડોક્યુમેન્ટ્સ દેખાવમાં અસલી લાગતાં હતાં, જેના કારણે શરૂઆતમાં કોઈ શંકા ઉપજી નહોતી પરંતુ જ્યારે મેહુલભાઈએ સાવચેતીનાં ભાગરૂપે સંબંધિત સત્તાવાર વેબસાઈટ પર ચકાસણી કરી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી. તમામ ડોક્યુમેન્ટ્સ નકલી અને એડિટ કરેલા હતા. આથી સ્પષ્ટ થયું કે આ આખી પ્રક્રિયા એક સુનિયોજિત છેતરપિંડી હતી.

નંબર બ્લોક

છેતરપિંડીનો ભાંડો ફૂટતા જ મેહુલભાઈએ આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે તરત જ પોતાનો સંપર્ક તોડી નાખ્યો અને નંબર બ્લોક કરી દીધો. આ બાદ મેહુલભાઈએ પોલીસનો સહારો લીધો. અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલ પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી ચૂકી છે અને નોઈડા સુધી તપાસના તાર વિસ્તર્યા છે.

આ પણ વાંચો: વડોદરામાં દેવ નદીનાં કિનારે બની ખતરનાક ઘટના : 22 વર્ષના યુવકને જીવતા ખેંચી ગયો મગર

વધતી ઈમિગ્રેશન ઠગાઈઓ

તાજેતરના સમયમાં વિદેશમાં નોકરી અને વસવાટના સપનાઓને આધારે આવી ઠગાઈઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાના કેસો વધ્યા છે. ઈમિગ્રેશન પ્રક્રિયા માટે હંમેશા સત્તાવાર માધ્યમો, માન્ય એજન્સીઓ અને દસ્તાવેજોની સાવચેતીપૂર્વક ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. માત્ર ઓનલાઈન સંપર્ક અથવા અજાણ્યા લોકોના દાવાઓ પર વિશ્વાસ કરવો ગંભીર જોખમ બની શકે છે.

આ કેસમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ટેક્નિકલ અને નાણાકીય તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ કૌભાંડમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટના વડોદરામાં ઈમિગ્રેશન ક્ષેત્રે કામ કરતા લોકો અને સામાન્ય નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે કોઈપણ વિદેશી નોકરી અથવા વિઝા સંબંધિત ઓફર સ્વીકારતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી અનિવાર્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now