Home Gujarat Vadodara Vadodara Nh48 Chemical Tanker Fire Jambua Bridge

વડોદરામાં મોટી દુર્ઘટના ટળી! : નેશનલ હાઈ-વે પર કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ: બ્રિજ પર અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ, ભયાનક દ્રશ્યો

chemical tanker fire
Published by: Viral Patel
Last Updated: Apr 04, 2026, 05:23 AM IST

Vadodara News: વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી વેસ્ટ કેમિકલ ભરેલી એક ટેન્કરમાં અચાનક લીકેજ થવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે કેમિકલ રોડ પર વહેવાને કારણે જ્વાળાઓ અડધો કિલોમીટર સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની વિગત

વડોદરા ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસને મોડી રાત્રે ટેન્કરમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટેન્કર પર 'હેઝાર્ડસ વેસ્ટ કેમિકલ' લખેલું હતું. પ્રાથમિક તપાસ મુજબ, ચાલુ ટેન્કરમાં કોઈ જગ્યાએ લીકેજ થયું હતું અને કેમિકલ જ્વલનશીલ હોવાથી તેણે તરત જ આગ પકડી લીધી હતી. વહેતા કેમિકલની સાથે આગ પણ પુલ પર આગળ વધી હતી.

આ પણ વાંચો: વડોદરા VMC ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર? : સત્તાના ગઢમાં 'નો રિપીટ થિયરી'નો ગુંજારો, 70% જૂના જોગીઓની એક્ઝિટ નક્કી!

ફાયર ફાઇટરોની કામગીરી

પરિસ્થિતિની ગંભીરતા જોતા જીઆઇડીસી ફાયર સ્ટેશનની સાથે પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. સબ ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, "કેમિકલ એક્સપ્લોઝિવ હોવાની શક્યતાને ધ્યાને રાખીને અમે સૌ પ્રથમ આગની ફ્રેમ (જ્વાળાઓ) ને કટ કરવાની કામગીરી હાથ ધરી હતી. ટેન્કરના ઉપરના ભાગેથી ફ્લેમ લીકેજ થતી હોવાનું જણાતા ત્યાંથી તેને કટ ઓફ કરી કુલિંગ પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી."

મોટી જાનહાનિ ટળી

સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે ટેન્કરના ડ્રાઇવર, ક્લીનર અને આસપાસના વાહનચાલકોને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા હતા. ઘણીવાર આવા કેમિકલ રિએક્શનને કારણે બ્લાસ્ટ થવાની ભીતિ રહે છે, પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં મોટો ધડાકો : 'પત્રિકા કાંડ'ના મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્પેશ લીંબચિયાની ઘરવાપસી, પાલિકાની ચૂંટણી પહેલા બદલાયા સમીકરણો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now