Home Gujarat Vadodara Alpesh Limbachiya Bjp Reentry Vadodara Patrika Kand

વડોદરા ભાજપમાં મોટો ધડાકો : 'પત્રિકા કાંડ'ના મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્પેશ લીંબચિયાની ઘરવાપસી, પાલિકાની ચૂંટણી પહેલા બદલાયા સમીકરણો

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી
Play Video
Published by: Viral Patel
Last Updated: Apr 04, 2026, 05:39 AM IST

Vadodara News: શહેરમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે. વડોદરાના રાજકારણમાં આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ચર્ચિત 'પત્રિકા કાંડ' બાદ ભારતીય જનતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા નેતા અલ્પેશ લીંબચિયાનો આજે વિધિવત રીતે ભાજપમાં પુનઃ પ્રવેશ થયો છે.

કેસરીયો ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત

વોર્ડ નંબર 19ના પૂર્વ કાઉન્સિલર અને પ્રબળ નેતા અલ્પેશ લીંબચિયાએ આજે ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ફરી કેસરીયો ધારણ કર્યો હતો. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીના હસ્તે તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ હાજર રહ્યા હતા, જેનાથી વોર્ડ નંબર 19 અને આસપાસના વિસ્તારોમાં ભાજપનું જોર વધ્યું હોવાનું મનાય છે.

આ પણ વાંચો: વડોદરામાં ‘અશાંત ધારો’ મુદ્દે રાજકારણ ગરમાયું : તાંદલજામાં હનુમાન ચાલીસા સાથે વિરોધ, ભાયલીમાં અમલથી ઉત્સવ જેવો માહોલ

પત્રિકા કાંડ અને સસ્પેન્શનનો ઈતિહાસ

થોડા સમય પહેલા વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ અને પક્ષના જ ઉચ્ચ નેતાઓ વિરુદ્ધ બદનામી કરતી પત્રિકાઓ વહેંચવાનો મામલો ખૂબ ગાજ્યો હતો. આ 'પત્રિકા કાંડ'માં અલ્પેશ લીંબચિયાનું નામ મુખ્ય સૂત્રધાર તરીકે ઉભરી આવ્યું હતું. પક્ષની શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, તેમના સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થાય તે પહેલા જ તેમની ઘરવાપસીએ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.

ચૂંટણી પહેલાના બદલાતા સમીકરણો

પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે અલ્પેશ લીંબચિયાનો પ્રવેશ ભાજપ માટે વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે. વોર્ડ નં. 19 માં પકડ: અલ્પેશ લીંબચિયા પોતાના વિસ્તારમાં મજબૂત જનધારા ધરાવે છે. અન્ય પક્ષોમાં જોડાતા અટકાવવા અને સ્થાનિક જૂથવાદને ડામવા માટે મોવડીમંડળે આ નિર્ણય લીધો હોઈ શકે છે.

આ પણ વાંચો: વડોદરાના એન્જિનિયરે ભેગી કરી 80 થી વધુ દેશોની 1 રૂપિયાની નોટો! : લુપ્ત થતી ચલણી નોટોનો અદભૂત ઐતિહાસિક સંગ્રહ

રાજકારણમાં ગરમાવો

અલ્પેશ લીંબચિયાના પુનઃ પ્રવેશથી વિરોધ પક્ષોમાં પણ હલચલ મચી છે. ભાજપના જ કેટલાક આંતરિક જૂથોમાં આ નિર્ણયને લઈ ગણગણાટ હોવા છતાં, સંગઠને આગામી ચૂંટણીમાં 'જીત'ના લક્ષ્યાંક સાથે આ મોટું કાર્ડ ખેલ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘરવાપસી આગામી પાલિકાની ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો કરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now