Vadodara : આજના ડિજિટલ યુગમાં જ્યારે લોકો ખિસ્સામાં રોકડ રાખવાને બદલે ઓનલાઇન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, ત્યારે વડોદરાના એક યુવા સિવિલ એન્જિનિયરે કંઈક અલગ જ કરી બતાવ્યું છે. ફૈસલ દુધવાલા નામના આ યુવાને દુનિયાના 80 થી વધુ દેશોની '1' ના આંકડાવાળી ચલણી નોટોનો અદભૂત સંગ્રહ તૈયાર કર્યો છે. જ્યારે ફુગાવો અને ટેકનોલોજીના કારણે નાની નોટો લુપ્ત થઈ રહી છે, ત્યારે આ સંગ્રહ એક જીવંત ઇતિહાસ સમાન છે.
વારસામાં મળેલો શોખ
વડોદરામાં સિવિલ એન્જિનિયર અને કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત ફૈસલને જૂની વસ્તુઓ અને સિક્કાઓ ભેગા કરવાનો શોખ નાનપણથી જ હતો. આ શોખ તેમને તેમના પિતા નઝીર અહમદ દૂધવાલા પાસેથી વારસામાં મળ્યો હતો. જોકે, આ શોખ એક મજબૂત જુનુનમાં ત્યારે ફેરવાયો જ્યારે કોરોનાકાળ દરમિયાન લોકડાઉન લાગ્યું. ફૈસલે આ સમયનો સદુપયોગ કરીને વિશ્વભરની કરન્સી વિશે સંશોધન શરૂ કર્યું.
દુનિયાના ખૂણેખૂણેથી સંગ્રહ
ફૈસલ પાસે આજે એશિયા, આફ્રિકા, અમેરિકા અને ઓસેનિયા જેવા ખંડોના 80 થી વધુ દેશોની નોટો ઉપલબ્ધ છે. તેમના સંગ્રહની ખાસિયત એ છે કે, તેમાં એવા દેશોની પણ '1' ની નોટ છે, જે દેશો આજે દુનિયાના નકશા પર અસ્તિત્વમાં નથી અથવા બીજા દેશો સાથે જોડાઈ ગયા છે. જાપાન, નેપાળ અને યુએઈ જેવા દેશોમાં હવે એકની નોટ બંધ થઈ ગઈ છે, જે ફૈસલના કલેક્શનને વધુ કિંમતી બનાવે છે.
'1' ના આંકડાનું મહત્વ
ફૈસલ માને છે કે, '1' નો આંકડો એ માત્ર સંખ્યા નથી પણ એક પ્રતીક છે. કોઈ પણ મોટી સિદ્ધિ કે શરૂઆત હંમેશા એકથી જ થાય છે. આ વિચાર સાથે તેમણે માત્ર એકના આંકડાવાળી નોટો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વ્યવસાયે એન્જિનિયર હોવા છતાં, તેઓ આર્ટ્સમાં પણ એટલા જ નિપુણ છે અને કોન્સર્ટ ફોટોગ્રાફીમાં પણ પોતાનું નામ બનાવ્યું છે.
ભવિષ્યનું લક્ષ્ય
આ અદભૂત સંગ્રહ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીને ઇતિહાસથી વાકેફ કરવાનો છે. ફૈસલ હવે આ નોટોનું એક પ્રદર્શન યોજવા માંગે છે, જેથી યુવાનો સમજી શકે કે, જે વસ્તુ આજે સામાન્ય લાગે છે, તે ભવિષ્યમાં ઇતિહાસનો કેટલો મહત્વનો હિસ્સો બની શકે છે.






