Vadodara Disturbed Areas Act: વડોદરામાં 'અશાંત ધારો' (Disturbed Areas Act) ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલજા અને ભાયલીમાં અશાંત ધારાને લઈને બે તદ્દન વિપરીત ચિત્રો ઉપસ્યાં છે. એક તરફ તાંદલજા વિસ્તારમાં અશાંત ધારાના કથિત ઉલ્લંઘન અને વિવાદાસ્પદ જમીન મંજૂરી સામે સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી છે, તો બીજી તરફ ડભોઈ વિધાનસભા હેઠળ આવતા ભાયલી વિસ્તારમાં નવા અશાંત ધારાની મંજૂરી મળતા હર્ષની લાગણી ફેલાઈ છે. આ બંને ઘટનાઓએ વડોદરાના વસ્તી માળખા અને ભૌગોલિક સંવેદનશીલતા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
તાંદલજામાં રહીશોએ પોતાની માગણી પ્રબળ બનાવવા માટે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જ રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા નિયમોને નેવે મૂકીને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે સામી બાજુ, ભાયલીમાં લાંબા સમયની રજૂઆતો બાદ અશાંત ધારો લાગુ થતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ સરકારનો આભાર માન્યો છે. એક જ દિવસમાં બનેલી આ બે ઘટનાઓ દર્શાવે છે કે વડોદરામાં જમીન અને મિલકતની તબદીલીના નિયમો કેટલી હદે સંવેદનશીલ મુદ્દો બની ગયા છે.
તાંદલજા: કલેક્ટર કચેરીએ હનુમાન ચાલીસાના પાઠ સાથે ઉગ્ર વિરોધ
વડોદરાના તાંદલજા વિસ્તારમાં અશાંત ધારા હેઠળ આપવામાં આવેલી એક વિવાદાસ્પદ જમીન મંજૂરીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે, જે જમીન પર મુસ્લિમ સંપ્રદાયને બાંધકામની મંજૂરી અપાઈ છે, તેની આસપાસ અંદાજે 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે. રહીશોના મતે, વસ્તીનું સંતુલન જળવાઈ રહે તે માટે અશાંત ધારો અમલી છે, છતાં મુખ્ય રોડની આ તરફ મંજૂરી આપીને કાયદાનો ભંગ કરાયો છે. આ રોષ વ્યક્ત કરવા રહીશોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને આ હુકમ તાત્કાલિક રદ કરવાની માગ કરી છે.

ભાયલીમાં અશાંત ધારો લાગુ: ધારાસભ્ય શૈલેષ મહેતાએ વ્યક્ત કરી ખુશી
તાંદલજામાં જ્યારે વિરોધ વકર્યો છે, ત્યારે ભાયલી વિસ્તારના રહીશો માટે રાહતના સમાચાર આવ્યા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સતત રજૂઆતોને પગલે રાજ્ય સરકાર દ્વારા ભાયલી ટીપી-3 અને 4 માં અશાંત ધારો લાગુ કરવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. હનુમાન જયંતિના અવસરે જ આ મહત્વનો પત્ર મળતા ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, "આ નિર્ણયથી ભાયલીમાં વસતા હિન્દુ પરિવારોની સુરક્ષા અને સાંસ્કૃતિક ઓળખ જળવાઈ રહેશે." અગાઉ આ મુદ્દે તેમણે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવ્યો હતો.
તંત્રની બેવડી નીતિ સામે ઉઠ્યા સવાલો
વડોદરામાં અશાંત ધારાના અમલીકરણને લઈને તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. એક તરફ ભાયલીમાં નવા વિસ્તારો ઉમેરીને સુરક્ષા મજબૂત કરવાનો દાવો કરાઈ રહ્યો છે, તો બીજી તરફ તાંદલજા જેવા સંવેદનશીલ વિસ્તારમાં રહીશોની રજૂઆત છતાં મંજૂરી કેવી રીતે મળી તે મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તંત્ર તાંદલજાના રહીશોની રજૂઆત બાદ મંજૂરી પ્રક્રિયાની પુનઃ તપાસ કરે છે કે નહીં, અને ભાયલીમાં અશાંત ધારાના અમલથી આવનારા સમયમાં મિલકતોના સોદા પર કેવી અસર પડે છે.






