Home Gujarat Vadodara Vmc Election Bjp No Repeat Theory Vadodara Corporators Ticket Cut

વડોદરા VMC ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર? : સત્તાના ગઢમાં 'નો રિપીટ થિયરી'નો કડક અમલ, 70% જૂના જોગીઓની એક્ઝિટ નક્કી!

VMC
Published by: Viral Patel
Last Updated: Apr 04, 2026, 06:04 AM IST

Vadodara News: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે સત્તાધારી ભાજપમાં ટિકિટ વિતરણને લઈને ધરખમ ફેરફારોના સંકેત મળી રહ્યા છે. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે 'નો રિપીટ થિયરી'નો કડક અમલ કરીને આશરે 70% જેટલા જૂના કોર્પોરેટરોને ઘેર બેસાડવાની તૈયારી કરી લેવામાં આવી છે. 19 વોર્ડના નવા ઉમેદવારો નક્કી કરવા માટેની પ્રક્રિયા તેજ બની છે, જેમાં વિવાદિત ચહેરાઓ અને નબળા પર્ફોર્મન્સ ધરાવતા નેતાઓનું પત્તું કપાવવું નિશ્ચિત મનાય છે.

ભ્રષ્ટાચાર અને ગેરશિસ્ત નડશે

છેલ્લા પાંચ વર્ષની ટર્મ ભાજપ માટે પડકારજનક રહી છે. વહીવટી પકડ નબળી પડવા સાથે કેટલાક કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદો અને આર્થિક ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. ખાસ કરીને પાણીના ટેન્કરોમાં મળતિયાઓના કોન્ટ્રાક્ટ અને પક્ષની સંકલન બેઠકોમાં ગેરહાજર રહેનારા નેતાઓ સામે હાઈકમાન્ડ લાલચોળ છે. પક્ષની છબી ખરડનારા અને મનમાની કરનારા તત્વોને સ્થાને આ વખતે શિસ્તબદ્ધ અને નવા ચહેરાઓને તક આપી 'ફ્રેશ લુક' સાથે મેદાનમાં ઉતરવાનો વ્યૂહ ઘડાયો છે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં મોટો ધડાકો : 'પત્રિકા કાંડ'ના મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્પેશ લીંબચિયાની ઘરવાપસી, પાલિકાની ચૂંટણી પહેલા બદલાયા સમીકરણો

ત્રણ ટર્મનો નિયમ અને વયમર્યાદા

ત્રણ ટર્મથી પદ ભોગવતા નેતાઓ અને વયમર્યાદાના કડક નિયમોને કારણે અનેક 'જૂના જોગીઓ'ની ટિકિટ જોખમમાં છે. જો દિલ્હી કે પ્રદેશ કક્ષાએથી કોઈ વિશેષ ભલામણ નહીં આવે, તો વડોદરાના વિકાસની કમાન નવી ટીમ હસ્તક સોંપવામાં આવશે.

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ 'હરખપદુડા' નેતાઓ મેદાનમાં

બીજી તરફ, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર થતા જ શહેરના રાજકીય તાપમાનમાં ઉછાળો આવ્યો છે. ઉમેદવારી ફાઈનલ થાય તે પૂર્વે જ નેતાઓ 'હરખપદુડા' બનીને શક્તિ પ્રદર્શનમાં જોતરાયા છે. શહેરના ગલીએ-ગલીએ હાઈટેક ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટનોની હારમાળા સર્જાઈ છે. ઢોલ-નગારા અને રોશનીના ઝગમગાટ વચ્ચે નેતાઓ સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ કરી પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યા છે. આચારસંહિતા પૂર્વે જનતા અને મોવડી મંડળને પ્રભાવિત કરવા માટે ભાજપી કાર્યકરોમાં ભારે જોશ જોવા મળી રહ્યો છે.

હવે જોવાનું એ રહેશે કે, આ 'હાઈટેક' પ્રચાર વચ્ચે પક્ષ ખરેખર કેટલા નવા ચહેરાઓને એન્ટ્રી આપે છે અને કેટલા દિગ્ગજોના પત્તા કાપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now