Home Gujarat Vadodara Vadodara Lenskart Protest Raopura Optical Association

લેન્સકાર્ટ સામે વડોદરાના ઓપ્ટિકલ વેપારીઓનો હલ્લાબોલ : ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે 'બોયકોટ'ના નારા

ઓપ્ટિકલ વેપારીઓનો હલ્લાબોલ
Published by: Viral Patel
Last Updated: Apr 23, 2026, 12:37 PM IST

Vadodara News: વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આજે વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના નેજા હેઠળ હિન્દુ અને મુસ્લિમ વેપારીઓએ એકજૂટ થઈ લેન્સકાર્ટ કંપની વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કંપની દ્વારા ધાર્મિક લાગણી દુભાવતા અને સાંપ્રદાયિક અખંડિતતા જોખમાવતા કથિત અભિયાન સામે વેપારીઓએ પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.

શું છે સમગ્ર વિવાદ?

તાજેતરમાં સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં એવા અહેવાલો વહેતા થયા છે કે નામચીન કંપની લેન્સકાર્ટ દ્વારા તેના કર્મચારીઓ માટે એક વિવાદાસ્પદ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ આક્ષેપ મુજબ, કંપનીમાં તિલક, સિંદૂર અને કલાવા જેવા હિન્દુ ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બાબતને વેપારીઓએ બિનસાંપ્રદાયિક ભારતની છબી ખરડવાનો અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં પંચાયતી રાજને નવી દિશા આપવાનું કોંગ્રેસનું વિઝન જાહેર : અમિત ચાવડાના મોટા વચનો

રાવપુરામાં ગુંજ્યા વિરોધના સૂરો

શહેરના રાવપુરા સ્થિત સનરાઈઝ કોમ્પ્લેક્સ પાસે મોટી સંખ્યામાં ઓપ્ટિકલ વેપારીઓ એકત્ર થયા હતા. હાથમાં પ્લેકાર્ડ લઈને વેપારીઓએ લેન્સકાર્ટની નીતિઓનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. આ વિરોધમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના વેપારીઓએ સાથે મળીને સંદેશ આપ્યો હતો કે તેઓ કોઈ પણ ભોગે ધાર્મિક ભાગલા પડવા દેશે નહીં. લેન્સકાર્ટ બોયકોટ" અને ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટેના સૂત્રોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

એસોસિએશનની માંગ અને ભવિષ્યની રણનીતિ

વડોદરા ઓપ્ટિકલ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કૃત્યો દેશની શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડે છે. જ્યાં સુધી સરકાર આ મામલે સ્પષ્ટતા નહીં કરે અથવા કંપની વિરુદ્ધ કડક પગલાં લેવા અંગે કોઈ પરિપત્ર જાહેર નહીં કરે, ત્યાં સુધી અમારું આ 'બોયકોટ અભિયાન' ચાલુ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં રાજનીતિનું સ્તર કથળ્યું? : હર્ષ સંઘવીના 'ચૌદશ'વાળા નિવેદન પર અમિત ચાવડાનો પલટવાર

આગામી દિવસોમાં એસોસિએશન દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓના માહોલમાં આ મુદ્દો રાજકીય ગરમાવો પકડે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. વેપારીઓએ સામૂહિક અવાજે વિનંતી કરી છે કે આવી ધાર્મિક વૈમનસ્ય ફેલાવતી સંસ્થાઓ વિરુદ્ધ તંત્ર દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now