વડોદરા: વડોદરા શહેરના છેવાડે આવેલા GSFC બ્રિજ પરથી નીચે પટકાતા એક યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પ્રાથમિક રીતે ઘટનાને અકસ્માત માનવામાં આવી રહી હતી, પરંતુ મૃતકના પરિવારજનોએ આ મોત અકસ્માત નહીં પરંતુ લૂંટફાટ બાદ હત્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. હાલ છાણી પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
બહેનને ઘરે મૂકી પરત ફર્યા બાદ આવ્યો અકસ્માતનો ફોન
મળતી માહિતી મુજબ, વડોદરા નજીકના રણોલી ગામના બારોટ ફળિયામાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ માળી ગત રોજ તેમની બહેનને વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને મૂકવા ગયા હતા. ત્યારબાદ રાત્રે આશરે 11 વાગ્યે પરિવારને ફોન આવ્યો કે ભરતભાઈને અકસ્માત થયો છે અને તેમને છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
108 કર્મચારીઓએ મોબાઇલ અને ચાવી સોંપી
માહિતી મળતાં પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ભરતભાઈનો મોબાઇલ ફોન અને તેમની એક્ટિવાની ચાવી પરિવારને સોંપી હતી. સાથે એવી માહિતી આપવામાં આવી કે દુમાડથી રણોલી તરફ જતા GSFC બ્રિજ પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી.
પરિવારે ઉઠાવ્યા અનેક સવાલો
મૃતકના પરિવારજનોએ ઘટનાને શંકાસ્પદ ગણાવી અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, ભરતભાઈએ પહેરેલી સોનાની લકી ચેઇન અને વીંટી મળી નથી. ઉપરાંત, જો ખરેખર અકસ્માત થયો હોય તો એક્ટિવાની ચાવી વાહનમાં જ હોવી જોઈએ, પરંતુ તે ભરતભાઈ પાસે કેવી રીતે મળી? વધુમાં, એક્ટિવા બ્રિજ પર મળી આવી જ્યારે ભરતભાઈનો મૃતદેહ બ્રિજની નીચે મળ્યો હતો. આ સંજોગો સામાન્ય અકસ્માત કરતાં વધુ શંકાસ્પદ હોવાનું પરિવારનું કહેવું છે.
લૂંટફાટ બાદ મોતની શંકા વ્યક્ત
પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી છે કે ભરતભાઈ સાથે પહેલા લૂંટફાટ કરવામાં આવી હશે અને ત્યારબાદ તેમને બ્રિજ પરથી નીચે ફેંકવામાં આવ્યા હશે. તેઓએ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે, જેથી મોતનું સાચું કારણ બહાર આવી શકે.
આ પણ વાંચો: Rath Yatra 2026'18 ગજરાજ, 103 ટ્રક અને 3 કિમી લાંબો કાફલો' : DyCM હર્ષ સંઘવીએ જણાવી Rathyatra 2026 ની સંપૂર્ણ તૈયારીઓ
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પર સૌની નજર
ભરતભાઈનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. છાણી પોલીસ આસપાસના CCTV ફૂટેજ, કોલ ડિટેઇલ્સ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે. હાલ પોલીસ દ્વારા અકસ્માત તેમજ અન્ય તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.






