Home Gujarat Rajkot Rajkot Food Department Checking 121 Restaurants

રાજકોટમાં ફૂડ વિભાગની તાબડતોબ કાર્યવાહી : 121 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ; 55 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો, 180 કિલો પસ્તી નો જથ્થો જપ્ત

રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાનનું દૃશ્ય
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 10:01 AM IST

રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અખાદ્ય ખાદ્ય પદાર્થો સામે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ અને ખાણીપીણીના એકમોની તપાસ દરમિયાન કુલ 121 પેઢી અને રેસ્ટોરન્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 55 કિલો જેટલો અખાદ્ય ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

35 વેપારીઓને નોટિસ, 180 કિલો પસ્તી જપ્ત કરી રૂ. 44,500નો દંડ ફટકારાયો

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગ દરમિયાન માત્ર અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થોનો જ નાશ કર્યો નહોતો, પરંતુ નિયમોના ભંગ બદલ કડક વહીવટી કાર્યવાહી પણ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 121 રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો અને અન્ય ખાણીપીણીના એકમોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ અને હાઈજિનિક કન્ડિશન સહિતની ખામીઓ સામે આવતાં 35 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરી કુલ રૂ. 44,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાન યથાવત રાખવામાં આવશે.

સ્વચ્છતા અને ગુણવત્તા અંગે કરાઈ સઘન ચકાસણી

ફૂડ વિભાગની ટીમે તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સંગ્રહની પદ્ધતિ, સમાપ્તિ તારીખ (Expiry Date) તેમજ ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સઘન ચકાસણી કરી હતી. જ્યાં નિયમોના ભંગની વિગતો સામે આવી ત્યાં સંબંધિત સંચાલકોને નોટિસ ફટકારવા ઉપરાંત જરૂરી કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી.

જાહેર આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં

રાજકોટ મહાનગર પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ભેળસેળયુક્ત અથવા અખાદ્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. પાલિકાએ ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવાની અપીલ પણ કરી છે.

નાગરિકોને પણ સતર્ક રહેવાની અપીલ

ફૂડ વિભાગે નાગરિકોને પણ બહારથી ખાદ્ય વસ્તુઓ ખરીદતી વખતે તેની ગુણવત્તા, સ્વચ્છતા અને સમાપ્તિ તારીખની ચકાસણી કરવાની સલાહ આપી છે. જો કોઈ સ્થળે ગંદકી, ભેળસેળ અથવા અખાદ્ય ખાદ્ય પદાર્થો વેચાતા જણાય તો તેની જાણ રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગને કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: જામનગરના દરેડ GIDCમાં રોજ 3થી 4 કલાક પાવર કટ! : 500થી વધુ ઉદ્યોગકારોનો PGVCL સામે આક્રોશ, ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી

નિયમિત ચેકિંગથી ખાદ્ય સુરક્ષા મજબૂત બનશે

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ખાદ્ય સુરક્ષા જળવાઈ રહે તે માટે આવી તપાસો નિયમિત રીતે કરવામાં આવશે. ખાસ કરીને તહેવારો, વેકેશન અને જાહેર પ્રસંગો દરમિયાન ખાણીપીણીના એકમો પર વધુ સઘન ચેકિંગ હાથ ધરાશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI)ના નિયમોનું પાલન ન કરતા એકમો સામે દંડાત્મક કાર્યવાહી ઉપરાંત જરૂરી હોય ત્યાં સેમ્પલિંગ, નોટિસ અને લાઇસન્સ સંબંધિત કાર્યવાહી પણ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now