Jamnagar Dared GIDC PGVCL Power Cut: જામનગર નજીક આવેલા દરેડ GIDCમાં કાર્યરત ઉદ્યોગકારો છેલ્લા ઘણા સમયથી અવારનવાર થતા વીજ પુરવઠાના વિક્ષેપથી ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળ આવતા આશરે 500 જેટલા ઔદ્યોગિક વીજ ગ્રાહકોને દરરોજ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાના આક્ષેપ સાથે ઉદ્યોગકારોએ હવે પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ઉદ્યોગકારોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)ને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, તેઓ નિયમિત રીતે વીજ બિલની ચુકવણી કરે છે, છતાં ગુણવત્તાસભર અને સતત વીજ પુરવઠો મળતો નથી. વારંવાર થતા પાવર કટને કારણે માત્ર ઉત્પાદન જ પ્રભાવિત થતું નથી, પરંતુ મશીનરીને નુકસાન, મજૂરોની ઉત્પાદકતા અને સમગ્ર ઉદ્યોગના આર્થિક ચક્ર પર પણ તેની સીધી અસર પડી રહી છે. જો ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
જર્જરિત વીજ વાયરથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આક્ષેપ
દરેડ GIDCના શિવમ અને સિદ્ધાર્થ ફીડર હેઠળના ઉદ્યોગકારોનો આક્ષેપ છે કે, જૂના અને જર્જરિત વીજ વાયરને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. અનેક વખત દિવસ દરમિયાન 3થી 4 કલાક સુધી વીજળી બંધ રહેતી હોવાથી ઉત્પાદન પ્રક્રિયા અટકી જાય છે અને ઉદ્યોગોને ભારે નુકસાન ભોગવવું પડે છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, વીજ પુરવઠો અચાનક ખોરવાતા મશીનરી વચ્ચે જ બંધ થઈ જાય છે, જેના કારણે આધુનિક સાધનો અને ઉત્પાદન મશીનોને નુકસાન થવાની શક્યતા રહે છે. તેના કારણે રિપેરિંગનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડે છે.
9 મહિના પહેલાં અપાયેલી ખાતરી છતાં કામગીરી શરૂ નહીં થઈ હોવાનો દાવો
ઉદ્યોગકારોએ દાવો કર્યો છે કે તેમણે 15 જાન્યુઆરીએ PGVCL સમક્ષ લેખિત રજૂઆત કરીને જર્જરિત વીજ વાયર બદલવાની માંગ કરી હતી. ત્યારબાદ અધિકારીઓએ ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન નવા કોટિંગવાળા વાયર નાખવાની ખાતરી આપી હતી. જોકે, રજૂઆતને લગભગ નવ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વાયર બદલવાની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. જેના કારણે ઉદ્યોગકારોમાં ભારે અસંતોષ ફેલાયો છે. તેઓનું કહેવું છે કે સમસ્યાની વારંવાર રજૂઆત છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કામગીરી જોવા મળતી નથી.
આ પણ વાંચો: રથયાત્રા પૂર્વે સિદ્ધપુરમાં ATSનું મેગા ઓપરેશન : વધુ 5 શંકાસ્પદોની અટકાયત
ઉત્પાદન પર અસર, આર્થિક સંકટ વધુ ઘેરાયું
ઉદ્યોગકારોનું કહેવું છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉત્પાદન બંધ કરવાની ફરજ પડે છે. પરિણામે સમયસર ઓર્ડર પૂર્ણ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે અને ગ્રાહકો સામે વિશ્વસનીયતા પર પણ અસર પડે છે. ઉત્પાદન બંધ રહેતાં મજૂરોને પગાર ચૂકવવામાં પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. બીજી તરફ બેંક લોનના હપ્તા, ફેક્ટરીના નિશ્ચિત ખર્ચ અને અન્ય નાણાકીય જવાબદારીઓ યથાવત રહેતાં ઉદ્યોગકારો પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે.
અધિકારીઓના વર્તન સામે પણ ઉદ્યોગકારોની નારાજગી
આવેદનપત્રમાં ઉદ્યોગકારોએ માત્ર વીજ પુરવઠાની સમસ્યા જ નહીં પરંતુ કેટલાક અધિકારીઓ અને સ્ટાફના વર્તન અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે સમસ્યા અંગે ફોન દ્વારા રજૂઆત કરવામાં આવે ત્યારે કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ઉદ્ધત અને અસહકારભર્યું વર્તન કરે છે. ઉદ્યોગકારોએ PGVCL પાસે ગ્રાહકો સાથે સંવેદનશીલ અને જવાબદાર વ્યવહાર કરવાની પણ માંગ કરી છે, જેથી ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ આવી શકે.
તાત્કાલિક વાયર બદલવાની માંગ, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
દરેડ GIDCના ઉદ્યોગકારોએ મંજૂર થયેલા કોટિંગવાળા નવા વાયર તાત્કાલિક ધોરણે નાખવાની માંગ કરી છે. સાથે જ વીજ પુરવઠાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અસરકારક આયોજન કરવાની પણ અપીલ કરી છે. ઉદ્યોગકારોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને સતત વીજ પુરવઠો સુનિશ્ચિત નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. હવે PGVCL આ રજૂઆતને કેટલા ગંભીરતાથી લે છે અને સમસ્યાના ઉકેલ માટે શું પગલાં ભરે છે, તેના પર ઉદ્યોગકારોની નજર મંડાયેલી છે.






