Home Gujarat Mahisagar Santrampur Father Son Murder Case Amba Village

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય? : મહીસાગરમાં આ કહેવત ખોટી પાડતી ઘટના, પિતાએ પુત્ર સાથે કરી એવી હરકત...

santrampur police station
Published by: Chintan Chavda
Last Updated: Jul 14, 2026, 09:57 AM IST

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામમાં પારિવારિક વિવાદે કરુણ વળાંક લીધો છે. ખેતી માટે ટ્રેક્ટર વડે કરાયેલા ખેડાણના ભાડાની બાબતે થયેલી બોલાચાલી બાદ એક પિતાએ પોતાના પુત્ર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર ઇજાઓના કારણે 33 વર્ષીય અરવિંદભાઈ માલીવાડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ સર્જ્યો છે.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 12 જુલાઈના રોજ બપોરે આશરે 12:30 વાગ્યે અરવિંદભાઈ માલીવાડ અને તેમના પિતા રમેશભાઈ માલીવાડ વચ્ચે ખેતરમાં ટ્રેક્ટર દ્વારા કરાયેલા ખેડાણના ભાડાના પૈસા ચૂકવવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આ વિવાદ દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

આ પણ વાંચો: વડોદરા: GSFC બ્રિજ પરથી યુવકનું રહસ્યમય મોત : પરિવારનો લૂંટ બાદ હત્યાનો આક્ષેપ

બોલાચાલી બાદ હુમલો થયાનો આક્ષેપ

પોલીસ ફરિયાદ અનુસાર, તકરાર દરમિયાન અરવિંદભાઈએ પિતાને લાકડી મારી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ અરવિંદભાઈ પોતાના ઘરમાં જઈને ખાટલા પર સૂઈ ગયા હતા. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે થોડા સમય બાદ રમેશભાઈ માલીવાડે ઘરમાં રહેલી કુહાડી લઈને સૂતેલા પુત્ર પર માથા અને છાતીના ભાગે અનેક ઘા કર્યા હતા. હુમલાના કારણે અરવિંદભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

બહેનની ફરિયાદના આધારે ગુનો નોંધાયો

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકની બહેન સુમિત્રાબેન ભૂરિયાએ સંતરામપુર પોલીસ મથકે પોતાના પિતા રમેશભાઈ માલીવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સંજોગો, હુમલાનું ચોક્કસ કારણ અને અન્ય પુરાવાઓના આધારે આગળની તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ પણ વાંચો: Rath Yatra 2026'18 ગજરાજ, 103 ટ્રક અને 3 કિમી લાંબો કાફલો' : DyCM હર્ષ સંઘવીએ જણાવી Rathyatra 2026 ની સંપૂર્ણ તૈયારીઓ

પારિવારિક વિવાદે લીધો કરુણ વળાંક

પ્રાથમિક માહિતી અનુસાર, ખેતી સંબંધિત આર્થિક બાબતે શરૂ થયેલો વિવાદ અંતે જીવલેણ સાબિત થયો. ઘટનાના પગલે મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છે, જ્યારે સમગ્ર ગામમાં પણ આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની કામગીરી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now