અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે. 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા માટે રાજ્ય સરકાર, અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ અને ધ્વજારોહણની પરંપરાગત વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ સમગ્ર રથયાત્રા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા અનેક દિવસોથી પોલીસ અને વહીવટી તંત્ર રાત-દિવસ એક કરીને રથયાત્રાની સુરક્ષા, ટ્રાફિક અને સામાજિક વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના દર્શન સરળતાથી કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
તમામ સમાજના આગેવાનોનો સહકાર
રૂટ નિરીક્ષણ દરમિયાન વિવિધ સમાજોના આગેવાનો દ્વારા પોલીસ અને વહીવટી તંત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમદાવાદની રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ ભાઈચારા અને સામાજિક એકતાનું પણ પ્રતિક છે. હિન્દુ, મુસ્લિમ, શીખ સહિત તમામ સમાજના લોકો દર વર્ષે રથયાત્રાનું સ્વાગત કરે છે અને આ પરંપરા શહેરની ગંગા-જમુની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠકો, યુવાનો અને મહિલાઓ સાથે સંવાદ, ક્રિકેટ ટુર્નામેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો દ્વારા સામાજિક સંવાદ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રથયાત્રા દરમિયાન કોઈ ચૂક નહીં! : સુરતમાં 11 જગન્નાથ રથયાત્રા માટે પોલીસે બનાવ્યો મેગા સિક્યોરિટી પ્લાન, ડ્રોનથી થશે ચાંપતી નજર
16.2 કિલોમીટરની યાત્રા, 18 ગજરાજ અને 103 ટ્રકો જોડાશે
આ વર્ષે રથયાત્રાનો સમગ્ર કાફલો અંદાજે ત્રણ કિલોમીટર લાંબો રહેશે. કુલ 16.2 કિલોમીટરની યાત્રામાં ભગવાન જગન્નાથજીના ત્રણ મુખ્ય રથ ઉપરાંત 18 ગજરાજ, 103 ટ્રકો, 30 અખાડા અને અનેક ભજન મંડળીઓ જોડાશે. રથયાત્રા સવારે 7 વાગ્યે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે. બપોરે સરસપુર ખાતે પરંપરાગત મોસાળમાં વિશ્રામ બાદ બપોરે લગભગ 1:30 વાગ્યે પરત યાત્રા શરૂ થશે અને સાંજે અંદાજે 8 વાગ્યે રથો ફરી નિજ મંદિરે પરત ફરશે.
30 હજારથી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત
રથયાત્રાની સુરક્ષા માટે 30 હજારથી વધુ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. સમગ્ર બંદોબસ્તને મૂવિંગ અને સ્ટેટિક એમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. 26 સુરક્ષા રેન્જ, 53થી વધુ ઝોન અને 1,397 સુરક્ષા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં 10 આઈજી-ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 42 ડીસીપી, 88 એસીપી, 900થી વધુ પીઆઈ અને પીએસઆઈ ઉપરાંત 15 એસઆરપીએફ કંપનીઓ અને 9 કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ટુકડીઓ ફરજ બજાવશે. ઉપરાંત હજારો ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહનવ્યવસ્થા સંભાળશે.
AI, ડ્રોન અને સ્માર્ટ પોલીસિંગ પર ભાર
આ વર્ષે રથયાત્રાની સુરક્ષામાં અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. 100થી વધુ ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર સતત નજર રાખવામાં આવશે. 1,000 બોડી-વોર્ન કેમેરાથી પોલીસ કર્મચારીઓ સજ્જ રહેશે, જ્યારે 3D મેપિંગ, વર્ચ્યુઅલ મોનિટરિંગ અને AI આધારિત સર્વેલન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર 65 હજારથી વધુ શંકાસ્પદ વ્યક્તિઓના ડેટાબેઝ સાથે સંકળાયેલી AI સિસ્ટમ દ્વારા પિકપોકેટર અને વોન્ટેડ આરોપીઓની ઝડપી ઓળખ કરવામાં મદદ મળશે. ઉપરાંત સોશિયલ મીડિયા અને સાયબર પ્લેટફોર્મ પર પણ વિશેષ નજર રાખવામાં આવશે. અનધિકૃત ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ તૈનાત કરવામાં આવશે.
ગજરાજોની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા
રથયાત્રામાં જોડાનારા તમામ 18 હાથીઓ પર GPS, CCTV, ડેસિબલ મીટર અને અન્ય મોનિટરિંગ ઉપકરણો લગાવવામાં આવ્યા છે જેથી તેમની સુરક્ષા અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય. હર્ષ સંઘવીએ શહેરના ડીજે સંચાલકો અને વિવિધ મંડળોને અપીલ કરી કે જ્યાં સુધી ગજરાજો પસાર ન થઈ જાય ત્યાં સુધી ડીજે અથવા વધુ અવાજવાળા સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ ન કરે. તેમણે જણાવ્યું કે વધુ અવાજથી હાથીઓને તકલીફ થઈ શકે છે અને યાત્રાની સુરક્ષા પર અસર પડી શકે છે.
આ પણ વાંચો: 45 ટન શીરો, ભવ્ય રથ અને હજારો ભક્તો... : વડોદરામાં નીકળશે ઇસ્કોનની ભવ્ય જગન્નાથ રથયાત્રા, આ વખતે શું રહેશે સૌથી મોટું આકર્ષણ?
અમિત શાહ રહેશે મંગળા આરતીમાં, મુખ્યમંત્રી કરશે પહિંદ વિધિ
પરંપરા મુજબ 16 જુલાઈની વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન જગન્નાથજીની પરંપરાગત 'પહિંદ વિધિ' કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
ગુજરાત પોલીસે તમામ નાગરિકોને શાંતિ, ભાઈચારા અને ધાર્મિક સૌહાર્દ સાથે રથયાત્રામાં સહભાગી થવા અપીલ કરી છે. સાથે જ ભયજનક અથવા જર્જરિત ઇમારતોની નજીક ઊભા ન રહેવા તેમજ પોલીસ અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.





