Surat Rath Yatra Security: ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં 16 જુલાઈએ યોજાનારી 11 વિવિધ જગન્નાથ રથયાત્રાઓને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય તેવી શક્યતા હોવાથી સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થાને લઈને વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તો નિર્ભય બનીને દર્શનનો લાભ લઈ શકે તે માટે શહેર પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા (DGP) એસ. એમ. મલિકની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યભરમાં યોજાનારી રથયાત્રાઓ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાઓના આધારે સુરત પોલીસ કમિશનર વાબંગ જામીરના માર્ગદર્શન હેઠળ શહેર માટે વિશેષ સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગે માત્ર બંદોબસ્ત જ નહીં, પરંતુ ટેક્નોલોજી આધારિત દેખરેખ, ટ્રાફિક મેનેજમેન્ટ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરી છે.
11 રથયાત્રાઓ માટે અલગ-અલગ સુરક્ષા આયોજન
સુરત શહેરમાં પરંપરાગત આઠ સહિત કુલ 11 જગન્નાથ રથયાત્રાઓ નીકળવાની છે. દરેક રથયાત્રાના રૂટ, ભીડ અને સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ માટે શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશનર ડૉ. કરણ રાજ વાઘેલા, સેક્ટર-1ના અધિકારી બલરામ મીના, સેક્ટર-2ના મહેન્દ્ર બાગડિયા, ડીસીપી સજનસિંહ પરમાર, ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત વિવિધ ઝોનના અધિકારીઓ સમગ્ર આયોજન પર સતત નજર રાખશે.
ડ્રોન સર્વેલન્સથી થશે સતત દેખરેખ
આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેથી ભીડની સ્થિતિ અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ પર તાત્કાલિક નજર રાખી શકાય. આ ઉપરાંત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાંથી સમગ્ર યાત્રા પર સતત મોનિટરિંગ કરવામાં આવશે. ડીસીપી એ. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમની ટીમ રિયલ ટાઈમ દેખરેખ રાખશે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પોલીસ દળને સૂચના આપવામાં આવશે.
ટ્રાફિક માટે ગ્રીન કોરિડોર અને ડાયવર્ઝન યોજના તૈયાર
રથયાત્રાના દિવસે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસે વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. રથયાત્રાના રૂટ પર ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે જેથી ઇમરજન્સી સેવાઓને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે. જરૂરી સ્થળોએ ટ્રાફિક ડાયવર્ઝન, કેટલાક માર્ગો સમયબદ્ધ રીતે બંધ રાખવાની તેમજ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસ દ્વારા નાગરિકોને અગાઉથી ટ્રાફિક એડવાઈઝરીનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
સંવેદનશીલ વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ
રથયાત્રા પૂર્વે જ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ પર આવેલા વિસ્તારોમાં પોલીસ અધિકારીઓને વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે એકતા સમિતિના સભ્યો, સાધુ-સંતો, સ્થાનિક આગેવાનો અને રથયાત્રાના આયોજકો સાથે પણ સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા કે ગેરસમજ ન ફેલાય તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહી છે.
ક્વિક રિસ્પોન્સ ટીમ રહેશે તૈનાત
રથયાત્રા દરમિયાન કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિનો ઝડપથી સામનો કરી શકાય તે માટે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT)ને પણ તૈનાત રાખવામાં આવશે. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને અન્ય વિશેષ દળો પણ સમગ્ર યાત્રા દરમિયાન સતત પેટ્રોલિંગ કરશે. પોલીસ તંત્રનું કહેવું છે કે, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન કરાવવા માટે પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે.
શહેરવાસીઓને પોલીસની અપીલ
સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે રથયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરે, પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીને અનુસરે અને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ, વસ્તુ અથવા પ્રવૃત્તિ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ અધિકારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે નાગરિકોના સહયોગથી જ ભગવાન જગન્નાથજીની 11 રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકશે.





