Rath Yatra 2026રથયાત્રા પૂર્વે સિદ્ધપુરમાં ગુજરાત ATSનું મેગા ઓપરેશન: વધુ 5 શંકાસ્પદો ઝડપાયા; જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન અંગે તપાસ શરૂ


ગુજરાત અને મધ્યપ્રદેશ ATSએ રથયાત્રા પૂર્વે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને મોટા આતંકી ષડયંત્રને અટકાવવા એક્શન લેવામાં આવી છે. આ ઓપરેશનમાં ગુજરાત એટીએસની ટીમે પાંચ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યાં છે. તમામને ડિટેઇન કરીને પૂછપરછ માટે એટીએસની કચેરીમાં લઈ જવામાં આવ્યાં છે. ઝડપાયેલાં શંકાસ્પદોનું આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદ સાથે કનેક્શન હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. જેને કારણે એટીએસની ટીમ હવે આ એન્ગલ પર તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસ સાથે મળીને સિદ્ધપુરના ચાટાવાડા ગામ અને ઝાપલીપોલ બજાર સહિતના વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. અગાઉ સિદ્ધપુરમાંથી ૩, પાલનપુરમાંથી ૩ અને ચીખલીમાંથી ૧ આતંકી ઝડપાયા બાદ, મુખ્ય શંકાસ્પદ મોહમદ અમીન શેરાના પરિવાર અને તેના દ્વારા ખરીદાયેલા શંકાસ્પદ સામાન અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં આ આતંકી નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. આજે નેત્રોત્સવ વિધિના પાવન અવસરે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરશે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર રૂટ પર ૩૧ હજાર પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગૃહમંત્રી પોતે પોલીસ કાફલા સાથે પગપાળા ચાલીને રથયાત્રાના સમગ્ર રૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. હાલ મંદિર પરિસરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, IBના વડા અશોક કુમાર યાદવ અને સેક્ટર-૧ જેસીપી નીરજ બડગુજર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે સ્થળ પર હાજર છે.
અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવના પ્રથમ દિવસે આજે મંગળવારે વહેલી સવારે ૬:૦૦ વાગ્યે ત્રણેય પવિત્ર મૂર્તિઓની ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ સૌથી મહત્વપૂર્ણ ગણાતી નેત્રોત્સવ પૂજન-વિધિ શરૂ થઈ ગઈ છે. આ ધાર્મિક ઉત્સવ અંતર્ગત મંદિરમાં ધ્વજારોહણ અને ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વૈદિક વિધિઓ પૂર્ણ થયા બાદ, બપોરે ૧૧:૦૦ વાગ્યે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો માટે ખાસ ભંડારો (મહાપ્રસાદ) યોજાશે અને પરંપરાગત રીતે વસ્ત્રદાન કરવામાં આવશે.
અમદાવાદના અસ્મિતા પર્વ સમાન ભગવાન જગન્નાથજીની ૧૪૯મી પરંપરાગત રથયાત્રાનો ત્રિ-દિવસીય મહોત્સવ આજથી ભક્તિભાવપૂર્વક શરૂ થઈ ગયો છે. ૧૪ જુલાઈથી નેત્રોત્સવ વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે, જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ પૂજન અર્ચન કરશે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર કાર્યક્રમ અનુસાર, આગામી ૧૬ જુલાઈ (અષાઢી બીજ), ગુરુવારના રોજ સવારે ૭:૦૦ વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે. આ ભવ્ય રથયાત્રા મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં અનેરો ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ જીવલેણ ચાંદીપુરા વાયરસનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં આ વાયરસના કેસો સામે આવતા જ આરોગ્ય વિભાગ ભારે એક્શનમાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે ૧૧ બાળકોના કરુણ મોત નિપજ્યા છે, જેમાં ૩ કન્ફર્મ પોઝિટિવ અને ૮ શંકાસ્પદ કેસનો સમાવેશ થાય છે. હાલમાં ૨ પોઝિટિવ બાળકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અને અન્ય ૫ શંકાસ્પદ બાળકો જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.




