Ahmedabad Rath Yatra 2026: અમદાવાદના અસ્મિતા પર્વ સમાન અને ગુજરાતના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાં સ્થાન ધરાવતી ભગવાન શ્રી જગન્નાથજીની 149મી પરંપરાગત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અને ઐતિહાસિક ગણાતી અમદાવાદની રથયાત્રા માટે મંદિર પ્રશાસને ત્રિ-દિવસીય કાર્યક્રમ જાહેર કર્યો છે. 14 જુલાઈથી વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ગયો છે, જ્યારે 16 જુલાઈ, ગુરુવારે અષાઢી બીજના પવિત્ર દિવસે સવારે 7 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી ભવ્ય નગરચર્યાએ નીકળશે. આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રાના દર્શન માટે અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. મંદિર, શહેર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આજે શરૂ થઈ નેત્રોત્સવ વિધિ, હર્ષ સંઘવી કરશે વિશેષ પૂજન
ત્રિ-દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે 14 જુલાઈ, મંગળવારે વહેલી સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ સૌથી મહત્વપૂર્ણ ગણાતી નેત્રોત્સવ વિધિનો પ્રારંભ થયો. નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા પછી બપોરે દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે વિશેષ ભંડારો (મહાપ્રસાદ) તેમજ વસ્ત્રદાન કાર્યક્રમ યોજાશે. આજના કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શન કરીને વિશેષ પૂજા-અર્ચના કરશે. તેઓ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ પણ કરશે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
149મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. 31 હજારથી વધુ પોલીસકર્મીઓને ફરજ પર તૈનાત કરવામાં આવશે. હાલમાં મંદિર પરિસરમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, IBના વડા અશોક કુમાર યાદવ, સેક્ટર-1ના જેસીપી નીરજ બડગુજર સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહી તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે.
રથયાત્રાનો ત્રિ-દિવસીય કાર્યક્રમ
14 જુલાઈ, 2026
મંગળાના મંગલમય પૂજા
ધ્વજારોહણ
સંત સમાજ સત્કારના ધાર્મિક કાર્યક્રમો
15 જુલાઈ, 2026
સોનાવાળા દરવાજાની વિધિ
ગજેરા ચોખીનો વિધિ અને પૂજન
ગજેરાઓનો પૂજન
શહેર શાંતિ સમિતિની મુલાકાત
સાંજે મુખ્યમંત્રીની વિશિષ્ટ પૂજા અને આરતી
ભગવાન જગન્નાથજીની મહાઆરતી
16 જુલાઈ, 2026 (અષાઢી બીજ)
મંગળા આરતી
આદિવાસી નૃત્ય
રાસ-ગરબા
સવારે 7 વાગ્યે રથયાત્રા પ્રસ્થાન
આ પણ વાંચોઃ 149મી રથયાત્રા પહેલાં અમદાવાદમાંથી ગુંજ્યો એકતાનો સંદેશ : મુસ્લિમ સમાજે જગન્નાથજીને અર્પણ કર્યો ચાંદીનો રથ
આ વર્ષે રથયાત્રાની શોભા વધારશે આ ખાસ આકર્ષણો
આ વર્ષે રથયાત્રા વધુ ભવ્ય અને આકર્ષક બનશે. આયોજન મુજબ તેમાં સામેલ રહેશે:
18 શણગારેલા ગજરાજ
101 થીમ આધારિત ટ્રક
30 અખાડા
18 ભજન મંડળીઓ
3 બેન્ડવાજા
દેશભરમાંથી આવેલા લગભગ 2,500 સાધુ-સંતો
1,000થી 1,200 ખાલસા (નિહંગ) સેનાના સભ્યો
આ ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઝાંખીઓ પણ રથયાત્રાનું વિશેષ આકર્ષણ બનશે.
લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વિશાળ વ્યવસ્થા
મંદિર પ્રશાસન દ્વારા લાખો ભાવિકોને ધ્યાનમાં રાખીને પ્રસાદની વિશાળ તૈયારી કરવામાં આવી છે.
પ્રસાદ માટે તૈયાર કરવામાં આવ્યું છે:
45 હજાર કિલો મગ
500 કિલો જાંબુ
500 કિલો કેરી
400 કિલો કાકડી-લીંબુ
2 લાખ પ્રસાદના પેકેટ
જાણો 149મી રથયાત્રાનો સંપૂર્ણ રૂટ
ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રીતે જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે.
જવાનો માર્ગ
જગન્નાથ મંદિર
AMC ઓફિસ
જામાલપુર ચાર રસ્તા
માઢવપુરા
રાયપુર ચકલા
ખાડિયા
સારંગપુર
કાળુપુર સ્વામિનારાયણ મંદિર
પ્રેમ દરવાજા
દિલ્હી દરવાજા
આર.સી. હાઈસ્કૂલ
શાહપુર દરવાજા
સારસપુર (મોસાળ)
પરત ફરવાનો માર્ગ
સારસપુર
કાળુપુર સ્વામિનારાયણ મંદિર
કાળુપુર રેલવે સ્ટેશન
પ્રેમ દરવાજા
ખાડિયા
રાયપુર ચકલા
જામાલપુર ચાર રસ્તા
જગન્નાથ મંદિર
સરસપુર કેમ છે ભગવાન જગન્નાથનું 'મોસાળ'?
અમદાવાદની રથયાત્રાની એક અનોખી પરંપરા મુજબ સરસપુરને ભગવાન જગન્નાથનું મોસાળ માનવામાં આવે છે. અહીં ભગવાનને વિશેષ મહાભોગ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન ફરી ભવ્ય શોભાયાત્રા સાથે જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરે છે. આ પરંપરા વર્ષોથી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહી છે.
ભક્તિ, પરંપરા અને સુરક્ષાનો ભવ્ય સમન્વય
149મી રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક એકતાનું પણ પ્રતિક છે. લાખો શ્રદ્ધાળુઓ, હજારો સાધુ-સંતો, ગજરાજો, અખાડાઓ અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ વચ્ચે ભગવાન જગન્નાથજીની નગરચર્યા શહેરને ભક્તિમય બનાવશે. મંદિર પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યાપક તૈયારીઓ વચ્ચે આ વર્ષની રથયાત્રા પણ ભવ્યતા અને શ્રદ્ધાનો અનોખો સમન્વય સાબિત થવાની અપેક્ષા છે.






