Home Gujarat Ahmedabad Ahmedabad 149th Jagannath Rath Yatra Dycm Harsh Sanghvi Netrotsav Dhwajarohan 2026

Rath Yatra 2026આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, DyCM હર્ષ સંઘવી કર્યું પૂજન : શિખર પર નૂતન ધ્વજારોહણ સંપન્ન, હવે સાધુ-સંતોનો થશે ભવ્ય ભંડારો; જાણો ક્યારે થશે સોનાવેશના દર્શન

Ahmedabad Rath Yatra 2026
Published by: Nirali Gohil
Last Updated: Jul 14, 2026, 05:28 AM IST

Ahmedabad Rath Yatra 2026: અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં યોજાનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. સમગ્ર શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રા પૂર્વે આજે મંદિર ખાતે પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીની પવિત્ર નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મંદિરના ગગનચુંબી શિખર પર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. નેત્રોત્સવ અને ધ્વજારોહણના આ પવિત્ર પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો, ધારાસભ્યો, સંત-મહંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભગવાનના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

શું છે નેત્રોત્સવ વિધિનું ધાર્મિક મહત્વ?

હિંદુ પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી રથયાત્રા પહેલાં પોતાના મોસાળ એટલે કે સરસપુર પધારે છે. ધાર્મિક માન્યતા મુજબ મોસાળમાં ભગવાનને વિવિધ પ્રકારના ફળ, મીઠાઈ અને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. વધુ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ ભગવાનની આંખો આવી હોવાનું પ્રતીકરૂપ માનવામાં આવે છે. આ કારણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવે છે અને રથયાત્રાના આગલા દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરીને આ પાટા દૂર કરવામાં આવે છે. આ જ પવિત્ર ધાર્મિક વિધિને ‘નેત્રોત્સવ’ તરીકે ઓળખવામાં આવે છે. વિધિ બાદ ભગવાનને ફરી ગર્ભગૃહની રત્નવેદી પર વિધિવત્ બિરાજમાન કરવામાં આવે છે.

હર્ષ સંઘવીએ કરી વિશેષ પૂજા, રાજ્ય માટે માગ્યા આશીર્વાદ

નેત્રોત્સવ પૂજન દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજીની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરી હતી. તેમણે રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સુખાકારી અને સમૃદ્ધિ માટે ભગવાનના આશીર્વાદ માગ્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી, વિવિધ જનપ્રતિનિધિઓ, સંતો અને મંદિર ટ્રસ્ટના આગેવાનો પણ હાજર રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

નેત્રોત્સવ બાદ શિખર પર નૂતન ધ્વજારોહણ

પવિત્ર નેત્રોત્સવ વિધિ પૂર્ણ થયા બાદ મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિર ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીના નિજ મંદિરના શિખર પર પરંપરાગત નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ વચ્ચે ધ્વજારોહણની વિધિ સંપન્ન થતાં હાજર હજારો ભક્તોએ જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે ભગવાનના દર્શનનો લાભ લીધો. ધ્વજારોહણને રથયાત્રા પૂર્વે શુભતા, વિજય અને ભગવાનની કૃપાનું પ્રતીક માનવામાં આવે છે.

અમદાવાદમાં 149મી રથયાત્રા: આજે નેત્રોત્સવ વિધિ, જાણો ક્યારે થશે સોનાવેશના દર્શન(ફાઈલ તસવીર)

સાધુ-સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન

રથયાત્રા પૂર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સાધુ-સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. હરિદ્વાર, અયોધ્યા, ઉજ્જૈન, નાશિક, જગન્નાથપુરી, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી 2,500થી વધુ સાધુ-સંતો અમદાવાદ પહોંચ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ અને ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો અને સાધુ-સંતો માટે સેવાભાવી સંસ્થાઓ તથા સ્વયંસેવકો દ્વારા પણ વિવિધ સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

બુધવારે સોનાવેશના દિવ્ય દર્શન

નેત્રોત્સવ બાદ ભક્તો માટે બુધવારનો દિવસ પણ વિશેષ મહત્વનો રહેશે. સવારે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના ભવ્ય સોનાવેશના દર્શન યોજાશે. ભગવાનને સોનાના આભૂષણોથી અલંકૃત કરવામાં આવશે અને હજારો ભક્તોને દિવ્ય દર્શનનો લાભ મળશે. ત્યારબાદ ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ થશે તેમજ પરંપરાગત રીતે ગજરાજોની વિશેષ પૂજા પણ કરવામાં આવશે. સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશિષ્ટ આરતી અને પૂજામાં હાજરી આપશે.

આ પણ વાંચો: ભક્તો માટે મોટા સમાચાર : અષાઢ સુદ બીજે અંબાજીના દર્શન અને આરતીના સમયમાં થયો મહત્વપૂર્ણ ફેરફાર, જાણો નવું સમયપત્રક

149મી રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ

આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી ભવ્ય રીતે નીકળશે. યાત્રામાં શણગારેલા ગજરાજો, અખાડાઓના શૌર્ય પ્રદર્શન, ભજન મંડળીઓ, શોભાયાત્રા ટ્રકો અને હજારો ખલાસીઓ ભાગ લેશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા લાખો ભક્તો માટે મહાપ્રસાદની વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. મગ, કેરી, જાંબુ, કાકડી સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. મંદિર પરિસરથી લઈને સમગ્ર યાત્રામાર્ગ સુધી તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

સુરક્ષા માટે બહુસ્તરીય આયોજન

149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર યાત્રામાર્ગ પર હજારો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી, ડ્રોન અને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે ભક્તોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખીને બહુસ્તરીય આયોજન કરવામાં આવ્યું છે. હવે સમગ્ર અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાના શુભ પ્રસ્થાનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now