નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા નવાગામ ફળિયામાં 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બે દિવસથી ગુમ થયેલા આકાશ ઉમેશભાઈ વસાવાનો મૃતદેહ પોતાના ખેતરથી થોડે દૂર ઝાડી-ઝાંખરામાંથી મળી આવ્યો હતો. મૃતદેહની હાલતને લઈને પરિવારજનો અને સ્થાનિકોમાં દીપડાના હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે વન વિભાગ અને પોલીસે સાવચેતીપૂર્વક તપાસ શરૂ કરી છે.
પરિવારના જણાવ્યા મુજબ, આકાશ વસાવા બે દિવસ અગાઉ ખેતરમાં કામ કરવા ગયો હતો અને ત્યારબાદ પરત ફર્યો નહોતો. પરિવારજનોએ અનેક સ્થળોએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે બે દિવસ બાદ ખેતરથી દૂર આવેલા ઝાડીવાળા વિસ્તારમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
દીપડાના હુમલાની આશંકા, પરંતુ વન વિભાગે વ્યક્ત કરી સાવચેતી
સ્થાનિક લોકોનો દાવો છે કે યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો અને મૃતદેહનો એક ભાગ ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં દીપડાની અવરજવર વધી હોવાનું જોવા મળ્યું છે.
જોકે, વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં અગાઉ દીપડાની હાજરી અને હુમલાની ઘટનાઓ નોંધાઈ છે, જેના આધારે વિવિધ સ્થળોએ ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે અને દીપડાને પકડવા માટે પાંજરાં પણ ગોઠવવામાં આવ્યા છે. તેમ છતાં, પ્રાથમિક તપાસમાં આ યુવકના શરીર પર દીપડાના હુમલાના સ્પષ્ટ નિશાન મળ્યા નથી. તેથી માત્ર પ્રાથમિક આશંકાના આધારે ઘટનાને દીપડાનો હુમલો હોવાનું કહેવું યોગ્ય નહીં બને.
આ પણ વાંચો: મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે સરકારી તપાસથી રાજકીય ગરમાવો : આગેવાનોના એકમો પર વિવિધ વિભાગોની કાર્યવાહી
અગાઉ પણ બની ચૂક્યા છે હુમલાના બનાવ
સેલંબા વિસ્તાર અગાઉ પણ દીપડાના હુમલાને કારણે ચર્ચામાં રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આશરે દસ દિવસ પહેલાં આ જ વિસ્તારમાં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનો જીવ તો બચી ગયો હતો, પરંતુ તેના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન 28 ટાંકા લેવા પડ્યા હતા.
આ ઉપરાંત, છેલ્લા કેટલાક સમયથી સાગબારા રેન્જના જંગલ વિસ્તાર નજીક દીપડાની અવરજવર અંગે અનેક ફરિયાદો મળતાં વન વિભાગ સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે. કેમેરા ટ્રેપ, પાંજરાં અને અન્ય તકેદારીના પગલાં પણ લેવામાં આવ્યા છે.
પોલીસ હત્યાની શક્યતા પણ તપાસી રહી છે
આ પણ વાંચો: વડોદરામાં મોડી રાત્રે રફ્તારનો આતંક : 3 અલગ-અલગ ગમખ્વાર અકસ્માતમાં અનેક યુવકો લોહીલુહાણ
વન વિભાગના પ્રાથમિક અવલોકન બાદ પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે હાલમાં મોતનું ચોક્કસ કારણ જાહેર કરી શકાય તેમ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે યુવકનું મોત જંગલી પ્રાણીના હુમલાથી થયું છે કે પછી તેમાં કોઈ અન્ય કારણ જવાબદાર છે. તપાસ અધિકારીઓએ તમામ સંભવિત એંગલથી તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, મૃતદેહની સ્થિતિ અને અન્ય વૈજ્ઞાનિક તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સૌની નજર
આ ઘટનાએ સમગ્ર સાગબારા પંથકમાં ભય અને ચિંતા ફેલાવી છે. જો ઘટનામાં ખરેખર દીપડાનો હુમલો હોવાનું સાબિત થશે તો વન વિભાગ માટે દીપડાને વહેલી તકે પકડવાનો પડકાર વધુ ગંભીર બનશે. બીજી તરફ, જો તપાસમાં અન્ય કોઈ કારણ સામે આવશે તો પોલીસ તે દિશામાં કાયદેસરની કાર્યવાહી કરશે. હાલ સમગ્ર મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ યુવકના મોતનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થઈ શકશે.





