સંસ્કારી નગરી વડોદરામાં ગત મોડી રાત્રે રફ્તારનો આતંક જોવા મળ્યો હતો, શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં સર્જાયેલા ભયાનક અકસ્માતોમાં અનેક યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘટનાઓની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત એક્શનમાં આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં ત્રણ અકસ્માત
પહેલી ઘટના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ઘટી હતી, જ્યાં એક બેફામ ગતિએ આવી રહેલી કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવીને એક ટુ-વ્હીલરને જોરદાર અડફેટે લીધું હતું. કારની આ ભયાનક ટક્કરને કારણે બાઈક પર સવાર યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી આગળની તપાસ શરૂ કરી હતી.
બીજી ઘટના શહેરના પોશ ગણાતા વીઆઇપી રોડ પર હીટ એન્ડ રન સ્વરૂપે સામે આવી હતી. અહીં એક પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઈક સવારોને જોરદાર ટક્કર મારીને હવામાં ઉડાડ્યા હતા. બાઈક પર સવાર ત્રણ યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અકસ્માત સર્જીને કાર ચાલક ગાડી સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. લોહીલુહાણ થયેલા ત્રણેય યુવકોને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો: મોરબીમાં ખેડૂત આંદોલન વચ્ચે સરકારી તપાસથી રાજકીય ગરમાવો : આગેવાનોના એકમો પર વિવિધ વિભાગોની કાર્યવાહી
ત્રીજી ગમખ્વાર ઘટના કમાટીબાગ પાસે રાત્રિના સમયે ઘટી હતી, જ્યાં એક બાઇક અને એક્ટિવા ચાલક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને એક યુવક તો ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં દર્દથી તરફડતો જોવા મળ્યો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. એક જ રાતમાં બનેલી આ ત્રણ ઘટનાઓએ શહેરમાં રાત્રિના સમયે વાહનોની ગતિ મર્યાદા અને સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.





