Home Gujarat Ahmedabad Ahmedabad 149th Jagannath Rath Yatra Security Arrangements 2026

અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ : 30 હજારથી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

harsh sanghvi
Published by: Chintan Chavda
Last Updated: Jul 14, 2026, 11:04 AM IST

અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુચારૂ રીતે સંપન્ન થાય તે માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

આ નિરીક્ષણ દરમિયાન રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ સાથેની બેઠકમાં રૂટના સંવેદનશીલ સ્થળો, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ ઇમરજન્સી પ્રતિસાદ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

16.2 કિલોમીટરની પરંપરાગત યાત્રા, 18 ગજરાજ અને 103 ટ્રકો જોડાશે

હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16.2 કિલોમીટરના પરંપરાગત રૂટ પર નીકળશે. યાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના ત્રણ મુખ્ય રથ ઉપરાંત 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રાના દર્શન કરવા ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે માત્ર કાયદો-વ્યવસ્થાની જ નહીં પરંતુ સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે પણ છેલ્લા એક મહિનાથી વિવિધ સમાજોના આગેવાનો સાથે બેઠકો, જનજાગૃતિ કાર્યક્રમો અને સામાજિક પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે.

આ પણ વાંચો: રથયાત્રા દરમિયાન કોઈ ચૂક નહીં! : સુરતમાં 11 જગન્નાથ રથયાત્રા માટે પોલીસે બનાવ્યો મેગા સિક્યોરિટી પ્લાન, ડ્રોનથી થશે ચાંપતી નજર

30 હજારથી વધુ પોલીસકર્મીઓ સાથે લોખંડી સુરક્ષા

રથયાત્રાની સુરક્ષા માટે સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1,397 સુરક્ષા પોઈન્ટમાં વહેંચવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં 10 આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 42 ડીસીપી, 88 એસીપી સહિત 30 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ઉપરાંત 15 એસઆરપીએફ અને 9 સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે. પોલીસ દ્વારા મૂવિંગ અને સ્ટેટિક એમ બંને પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શ્રદ્ધાળુઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે.
AI, ડ્રોન અને ફેસ રેકગ્નિશનથી હાઈટેક સર્વેલન્સ

આ વર્ષે રથયાત્રામાં આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે સ્માર્ટ પોલિસિંગના ભાગરૂપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત મોનિટરિંગ અને 3D મેપિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સંપૂર્ણ રૂટ પર 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે. ઉપરાંત AI ફેસ રેકગ્નિશન કેમેરા દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વોન્ટેડ આરોપીઓ પર નજર રાખવામાં આવશે. 1,000થી વધુ બોડી-વોર્ન કેમેરા, હાઈટેક વાયરલેસ સિસ્ટમ, AI વોઇસ બોટ, એન્ટી-ડ્રોન ગન અને અન્ય ડિજિટલ સુરક્ષા સાધનો પણ તૈનાત કરવામાં આવશે.

ગજરાજોની સુરક્ષા માટે પણ વિશેષ આયોજન

રથયાત્રામાં જોડાનારા તમામ 18 ગજરાજ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હાથીઓ પર GPS ટ્રેકિંગ, CCTV અને ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે જેથી તેમની હિલચાલ અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય. વધુ અવાજને કારણે હાથીઓને તકલીફ ન પડે તે માટે આયોજકો અને શહેરીજનોને જરૂરી સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: '18 ગજરાજ, 103 ટ્રક અને 3 કિમી લાંબો કાફલો' : DyCM હર્ષ સંઘવીએ જણાવી Rathyatra 2026 ની સંપૂર્ણ તૈયારીઓ

નાગરિકોને સુરક્ષા સૂચનો

હર્ષ સંઘવીએ શહેરના નાગરિકોને રથયાત્રા દરમિયાન ધક્કામુક્કી કર્યા વગર ભગવાનના દર્શન કરવા અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને રૂટ પર આવેલી જર્જરિત અથવા ભયજનક ઇમારતો પર ચઢીને દર્શન ન કરવા વિનંતી કરી, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. તેમણે અમદાવાદ શહેર પોલીસની પૂર્વ તૈયારીઓ અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની પ્રશંસા કરતાં જણાવ્યું કે ટેક્નોલોજી અને માનવબળના અસરકારક ઉપયોગથી આ વર્ષની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભવ્ય રીતે સંપન્ન થશે.
રૂટ નિરીક્ષણ દરમિયાન અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, ધારાસભ્ય કૌશિક જૈન, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના મહાનુભાવો અને પોલીસ-વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક સ્તરે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતા બાળકોને પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

વારંવાર પૂછાતા પ્રશ્નો

રથયાત્રા 2026 હાઈટેક સર્વેલન્સ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), વર્ચ્યુઅલ રિયાલિટી મોનિટરિંગ અને 3D મેપિંગનો ઉપયોગ થશે. 100થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ, AI ફેસ રેકગ્નિશન કેમેરા, 1,000થી વધુ બોડી-વોર્ન કેમેરા અને એન્ટી-ડ્રોન ગન જેવી આધુનિક સુરક્ષા પ્રણાલીઓ તૈનાત કરવામાં આવશે.

રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રાખવા માટે 30 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સમગ્ર રૂટને 26 રેન્જ, 53 એરિયા અને 1,397 સુરક્ષા પોઈન્ટમાં વહેંચવામાં આવ્યો છે. આ ઉપરાંત એસઆરપીએફ (SRPF) અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સની કંપનીઓ પણ સુરક્ષામાં જોડાશે.

ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રા 16.2 કિલોમીટરના પરંપરાગત રૂટ પર નીકળશે. આ ભવ્ય યાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના ત્રણ મુખ્ય રથ ઉપરાંત 18 ગજરાજ, 103 ટ્રક, 30 અખાડા અને વિવિધ ભજન મંડળીઓ જોડાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now