વડોદરા: વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને કરજણ પોલીસે સંયુક્ત કામગીરી કરીને રાજાશાહી સમયનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી ગરીબ ખેડૂત સાથે રૂ. 7 લાખની છેતરપિંડી આચરનારી આંતરજિલ્લા ઠગ ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મહિલા સહિત બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ તેજ કરી છે.
હોસ્પિટલ બહાર ખેડૂતને બનાવી લીધો નિશાન
પોલીસ તપાસ મુજબ, છોટાઉદેપુર જિલ્લાના ખોડવાણિયા ગામના ખેડૂત ઇશ્વરભાઈ રાઠવાના માતા વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન હોસ્પિટલ બહાર તેમની મુલાકાત ઠગ ટોળકીના સભ્યો સાથે થઈ હતી. વાતચીત દરમિયાન ખેડૂતે ચાર દીકરીઓના લગ્ન માટે આર્થિક મુશ્કેલીઓ હોવાની વાત કરતા ઠગોએ તેમની પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્લાન ઘડ્યો હતો.
'રાજા-મહારાજાના સમયનું અસલી સોનું' કહી વિશ્વાસ જીત્યો
ઠગ ટોળકીએ ખેડૂતને પોતાની પાસે રાજાશાહી સમયનું કિંમતી સોનું હોવાનું કહી બજારભાવ કરતાં ઘણું સસ્તું આપવાની ઓફર કરી હતી. વિશ્વાસ જીતવા માટે તેઓ ખેડૂતને ડભોઈ-શિનોર ચોકડી નજીક લઈ ગયા, જ્યાં સોનાના બે હાર બતાવી તેમાંથી એક મણકો તોડીને તપાસ માટે આપ્યો હતો. સ્થાનિક સોની પાસે ચકાસણી કરાવતા તે મણકો અસલી નીકળતાં ખેડૂત સંપૂર્ણપણે વિશ્વાસમાં આવી ગયો.
જમીન ગીરો મૂકી અને ઉછીના લઈને ભેગા કર્યા રૂ. 7 લાખ
દીકરીઓના ભવિષ્ય અને સસ્તામાં સોનું મેળવવાની આશાએ ખેડૂતે પોતાની જમીન ગીરો મૂકી તેમજ સગા-સંબંધીઓ પાસેથી ઉછીના નાણાં મેળવી કુલ રૂ. 7 લાખની વ્યવસ્થા કરી હતી. ઠગોએ નક્કી કરેલા સ્થળે સોદો પૂર્ણ કરવા માટે ખેડૂતને કરજણ નજીક નેશનલ હાઈવે-48 પર આવેલા બ્રિજ નીચે બોલાવ્યો હતો.
CCTVનું બહાનું, થેલીમાં નકલી દાગીના
આરોપીઓએ સ્થળ પર CCTV કેમેરા હોવાનું કહી ખેડૂતને બ્રિજની નીચે લઈ ગયા. ત્યાં રૂ. 7 લાખ રોકડા લઈ બદલામાં સોના જેવા દેખાતા દાગીનાની થેલી આપી ટોળકી ફરાર થઈ ગઈ. ઘરે પહોંચી તપાસ કરતાં તમામ દાગીના નકલી હોવાનું બહાર આવતા ખેડૂતને છેતરાયાની જાણ થઈ હતી.
ટેકનિકલ સર્વેલન્સથી SOGએ ઉકેલ્યો ગુનો
ખેડૂતે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વડોદરા ગ્રામ્ય SOGએ તપાસ હાથ ધરી હતી. મોબાઇલ લોકેશન, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે પોલીસે વિજય ભગવાનભાઈ બારોટ, ડાહ્યાભાઈ ઉર્ફે રામ ગંગારામ મારવાડી અને મનોજ મારવાડીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ. 2.70 લાખ રોકડા, પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મુખ્ય સૂત્રધાર મહિલા ફરાર, વધુ તપાસ ચાલુ
પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવનાર મીરાબેન સોલંકી સહિત બે આરોપીઓ હજુ ફરાર છે. તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ ટોળકી અન્ય જિલ્લાઓમાં પણ આવી જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી ચૂકી હોઈ શકે છે. આ દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.
પોલીસે નાગરિકોને કરી ખાસ અપીલ
વડોદરા ગ્રામ્ય પોલીસે લોકોને સસ્તા ભાવે સોનું, ચાંદી અથવા કિંમતી વસ્તુઓ આપવાની લાલચ આપતા અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. આવા કોઈપણ સોદા પહેલાં તેની કાયદેસરતા અને વિશ્વસનીયતા ચકાસવી તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.






