Home Gujarat Vadodara Manjalpur By Election Observers Contact Numbers

માંજલપુર પેટા ચૂંટણી : કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકોના સંપર્ક નંબરો જાહેર, મતદારો રૂબરૂ રજૂઆત પણ કરી શકશે

વોટિંગ મશીન
Published by: Chintan Chavda
Last Updated: Jul 14, 2026, 11:57 AM IST

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષકોના સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારો, ઉમેદવારો, રાજકીય પક્ષો તેમજ નાગરિકો ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ, સૂચન અથવા રજૂઆત સીધી રીતે નિરીક્ષકો સમક્ષ કરી શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીને વધુ પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવા માટે જનરલ ચૂંટણી નિરીક્ષક, પોલીસ ચૂંટણી નિરીક્ષક અને ખર્ચ ચૂંટણી નિરીક્ષકને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. નાગરિકો તેમને ટેલિફોન પર સંપર્ક કરવા ઉપરાંત નિર્ધારિત સમય દરમિયાન રૂબરૂ મળીને પણ પોતાની રજૂઆત કરી શકશે.

જનરલ ચૂંટણી નિરીક્ષકને બપોરે 12થી 1 વાગ્યા સુધી મળી શકાશે

જનરલ ચૂંટણી નિરીક્ષક તરીકે શ્રી મોહિત બુંદાસની નિમણૂક કરવામાં આવી છે. તેઓનો મોબાઇલ નંબર 9428758362 અને લેન્ડલાઇન નંબર 0265-2993909 જાહેર કરવામાં આવ્યો છે. કામકાજના સમય દરમિયાન મતદારો તથા અન્ય સંબંધિત લોકો આ નંબરો પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વડોદરાના સર્કિટ હાઉસ સ્થિત એનેક્સી બિલ્ડિંગના પ્રેમાનંદ કક્ષમાં દરરોજ બપોરે 12:00થી 1:00 વાગ્યા દરમિયાન શ્રી બુંદાસ રૂબરૂ રજૂઆતો સાંભળશે.

કાયદો અને વ્યવસ્થાના મુદ્દે પોલીસ નિરીક્ષકનો સંપર્ક

પોલીસ ચૂંટણી નિરીક્ષક તરીકે શ્રી સુનિલ કુમાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. તેઓનો મોબાઇલ નંબર 9427728661 અને લેન્ડલાઇન નંબર 0265-2993908 છે. કાયદો અને વ્યવસ્થા, ચૂંટણી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અથવા અન્ય સંબંધિત ફરિયાદો અને સૂચનો માટે મતદારો તથા નાગરિકો તેમને સીધો સંપર્ક કરી શકશે. તેઓ વડોદરા સર્કિટ હાઉસ ખાતે દરરોજ બપોરે 4:00થી 5:00 વાગ્યા દરમિયાન રૂબરૂ મુલાકાત માટે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ : ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી જંગ, અન્ય પાંચ ઉમેદવારોના ફોર્મ રદ

ચૂંટણી ખર્ચ અંગે ખર્ચ નિરીક્ષકને કરી શકાશે રજૂઆત

ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે ખર્ચ ચૂંટણી નિરીક્ષક તરીકે શ્રી આદિત્ય શુકલાની નિમણૂક કરવામાં આવી છે. તેઓનો મોબાઇલ નંબર 9428476347 અને લેન્ડલાઇન નંબર 0265-2993907 જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી ખર્ચ સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા માહિતી માટે નાગરિકો કામકાજના સમય દરમિયાન ટેલિફોન દ્વારા સંપર્ક કરી શકશે. ઉપરાંત વડોદરા સર્કિટ હાઉસના 'રવિ વર્મા રૂમ' ખાતે દરરોજ બપોરે 3:30થી 4:30 વાગ્યા દરમિયાન રૂબરૂ રજૂઆત પણ કરી શકાશે.

ચૂંટણી પંચે માંજલપુર વિધાનસભા વિસ્તારના મતદારો, ઉમેદવારો અને રાજકીય પક્ષોને અપીલ કરી છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જો કોઈ અનિયમિતતા, આચારસંહિતાના ભંગ, કાયદો-વ્યવસ્થાની સમસ્યા અથવા ચૂંટણી ખર્ચ સંબંધિત મુદ્દો ધ્યાનમાં આવે તો નિર્ધારિત નિરીક્ષકોનો સંપર્ક કરીને તેની જાણ કરે, જેથી સમયસર જરૂરી કાર્યવાહી થઈ શકે અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now