Home Gujarat Mehsana Honey Trap Gang Busted 2 Arrested 2026

મહેસાણામાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ : એન્ટીક સિક્કાની લાલચમાં વેપારીને ફસાવી કરી લૂંટ, 2 આરોપીઓ ઝડપાયા

પોલીસે પકડેલા આરોપી
Published by: Chintan Chavda
Last Updated: Jul 14, 2026, 12:44 PM IST

મહેસાણા શહેરમાં હનીટ્રેપના ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. એન્ટીક સિક્કા અપાવવાના બહાને એક વેપારીને ફ્લેટમાં બોલાવી બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરીને રૂ. 4.35 લાખની લૂંટ ચલાવનાર ગેંગના બે આરોપીઓને મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે ટોળકીમાં સામેલ બે મહિલાઓ સહિત ત્રણ આરોપીઓ હજુ પણ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2.25 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

એન્ટીક સિક્કાની લાલચમાં મહેસાણા બોલાવ્યો

પોલીસ તપાસ મુજબ, 10 જુલાઈ, 2026ના રોજ અમદાવાદથી પાટણ તરફ જઈ રહેલા ફરિયાદીને નયનાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ પોતાની પાસે એન્ટીક સિક્કા હોવાનું જણાવી મહેસાણાના બિલાડીબાગ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-9 ખાતે બોલાવ્યા હતા. ફરિયાદી વિશ્વાસમાં આવી ત્યાં પહોંચતા જ સમગ્ર ઘટનાનો પૂર્વનિયોજિત કાવતરાનો ભોગ બન્યા હતા.

ફ્લેટમાં બંધક બનાવી મારપીટ, બિભત્સ ફોટા પાડ્યા

ફ્લેટમાં હાજર આરતીબેને ફરિયાદીને અંદર લઈ જઈ દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ અગાઉથી હાજર વીકી ઉર્ફે વિક્રમ અને ધર્મેશ પંડ્યાએ ફરિયાદીને રૂમમાં ખેંચી લઈ જઈ બળજબરીપૂર્વક કપડાં ઉતરાવ્યા હતા. આરોપીઓએ પટ્ટા વડે મારપીટ કરી અને મહિલા સાથે ફરિયાદીના બિભત્સ ફોટા પાડી સમગ્ર ઘટનાને બ્લેકમેલિંગમાં ફેરવી દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે તમામ તૈયારીઓ પૂર્ણ : 30 હજારથી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયાની ઉઘરાણી

આરોપીઓએ ફરિયાદીના ખિસ્સામાં રહેલા રૂ. 10 હજાર રોકડા કબજે કર્યા હતા. ઉપરાંત આધાર કાર્ડ અને વિઝિટિંગ કાર્ડના ફોટા પણ પાડી લીધા હતા. ત્યારબાદ જો રૂ. 3 લાખ નહીં આપે તો બિભત્સ ફોટા પત્ની અને પરિવારજનોને મોકલી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.

ગેંગે ફરિયાદીના ગળામાંથી અંદાજે રૂ. 2 લાખની કિંમતની સોનાની રુદ્રાક્ષ માળા તેમજ રૂ. 1.75 લાખની કિંમતની સોનાની બે વીંટીઓ પણ બળજબરીપૂર્વક ઉતરાવી લીધી હતી. એટલું જ નહીં, આરોપી વિમલસિંહને ફરિયાદીના મિત્ર પાસેથી વધુ રૂ. 50 હજાર લેવા પાટણ મોકલવામાં આવ્યો હતો. આમ કુલ રૂ. 4.35 લાખની મત્તા પડાવી લઈ પોલીસમાં ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા માટે પોલીસ સંપૂર્ણ સજ્જ! : DyCM હર્ષ સંઘવી અને CP ગેહલોતે કર્યું રૂટ નિરીક્ષણ, હજારો પોલીસ જવાનો સાથે સુરક્ષાનું ગ્રાન્ડ રિહર્સલ

પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

ફરિયાદના આધારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી સર્વેલન્સ સહિતની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ઉચરપી ગામ તરફ જવાના રસ્તેથી પટેલ વિક્રમભાઈ ઉર્ફે વીકી અને વાઘેલા વિમલસિંહને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ. 50 હજાર રોકડા તથા સોનાની બે વીંટીઓ સહિત કુલ રૂ. 2.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે નયનાબેન, આરતીબેન અને ધર્મેશ પંડ્યા હજુ પણ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી વિક્રમ ઉર્ફે વીકી તેમજ ફરાર આરોપી ધર્મેશ અગાઉ પણ હનીટ્રેપ સહિતના સમાન પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. પોલીસે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે વધુ તપાસ શરૂ કરી છે તેમજ આ ગેંગ અન્ય કેટલા લોકોને શિકાર બનાવી ચૂકી છે તેની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: સુરતના વરાછામાં ઓવરલોડ રિક્ષાનો વીડિયો વાયરલ : બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલ

DySP ની જનતાને અપીલ

DySP મિલાપ પટેલે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા નંબર પરથી આવતા ફોન, એન્ટીક વસ્તુઓ, સસ્તામાં સોનું અથવા અન્ય લોભામણી ઓફરોથી સાવચેત રહેવું જોઈએ. કોઈપણ અજાણી વ્યક્તિના કહેવાથી એકાંત સ્થળે કે અજાણ્યા ફ્લેટમાં જવાનું ટાળવું જોઈએ. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

લૂંટ, બ્લેકમેલ, ધમકી, મારપીટ અને કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસે રૂ. 2.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ અને સોનાની વીંટીઓનો સમાવેશ થાય છે.

એન્ટીક સિક્કા અને આર્થિક લાભની લાલચ આપી લોકોને ફ્લેટમાં બોલાવી, બિભત્સ ફોટા પાડી બ્લેકમેલ કરવામાં આવતું હતું.

કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી બેની ધરપકડ થઈ છે જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now