Home Gujarat Jamnagar Drain Water Problem Townhall Road

જામનગરમાં ટાઉનહોલ નજીક ગટરના ગંદા પાણીથી લોકો ત્રસ્ત : એક મહિનાથી દુર્ગંધ વચ્ચે અવરજવર મુશ્કેલ

જામનગરમાં નીલકંઠ મહાદેવ મંદિર નજીક માર્ગ પર ફરી વળેલા ગટરના ગંદા પાણી
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 01:07 PM IST

જામનગર: શહેરના ટાઉનહોલ નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિરથી રાધાકૃષ્ણ મંદિર સુધીના માર્ગ પર છેલ્લા એક મહિનાથી ગટરના ગંદા પાણી ફરી વળતા સ્થાનિકો, રાહદારીઓ અને મંદિરે આવતા ભક્તો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર સતત ગંદકી અને અસહ્ય દુર્ગંધના કારણે વિસ્તારના લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મંદિરે આવતા ભક્તો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી

આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન માટે આવે છે તેમજ સ્થાનિક લોકો અને વાહનચાલકો અવરજવર કરે છે. પરંતુ માર્ગ પર ગંદા પાણી ભરાઈ રહેતા લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. દુર્ગંધના કારણે આસપાસના વેપારીઓ અને રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

સરકારી હોજમાંથી પાણી છોડાતા સમસ્યા સર્જાતી હોવાનો આક્ષેપ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, નીલકંઠ મહાદેવ મંદિર પાછળ આવેલા સરકારી ન્હાવાના હોજમાંથી પાણી બહાર છોડવામાં આવતા ગટર છલકાઈ જાય છે અને તેનું ગંદુ પાણી માર્ગ પર ફરી વળે છે. પરિણામે આખો વિસ્તાર ગંદકીથી ઘેરાઈ જાય છે અને સ્વચ્છતા જાળવવી મુશ્કેલ બની રહી છે.

વારંવાર ફરિયાદ છતાં ઉકેલ નહીં

સ્થાનિકો અને ભક્તોએ આ સમસ્યાને લઈને સંબંધિત તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લાંબા સમયથી યથાવત રહેલી સમસ્યાના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

તાત્કાલિક કાયમી ઉકેલની માંગ

સ્થાનિકોએ તંત્રને ગટર વ્યવસ્થામાં જરૂરી સુધારા કરીને અને પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરીને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે ચોમાસાના દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનતા જાહેર આરોગ્ય પર પણ જોખમ ઊભું થઈ શકે છે, તેથી વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવી જરૂરી બની છે.

આ પણ વાંચો
: કચ્છના મુન્દ્રા પોર્ટ રોડ પર SOGની મોટી કાર્યવાહી : ₹2.10 લાખનું હેરોઈન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

સ્વચ્છતા અને આરોગ્ય પર ઊભું થયું જોખમ

સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર લાંબા સમય સુધી ગંદા પાણી ભરાયેલા રહેતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિત પાણીજન્ય અને ચેપજન્ય રોગો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્રને માત્ર તાત્કાલિક સફાઈ પૂરતી મર્યાદિત ન રહી ગટર વ્યવસ્થાનું ટેક્નિકલ નિરીક્ષણ કરીને કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે, જેથી ભક્તો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકોને સતત પડી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now