Navi Mumbai Murder: પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યાકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં નવી મુંબઈમાંથી પણ આવો જ એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સુનિતા નામની એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. આ ઘટના નવી મુંબઈના ઐરોલી વિસ્તારની છે, જ્યાં પત્નીએ કટર વડે પતિના મૂર્તદેહના ત્રણ ટુકડા કરી ઐરોલીના જંગલોમાં ફેંકી દીધા હતા. છેલ્લા 11 મહિનાથી આ હત્યા પોલીસ અને પરિવાર માટે એક વણઉકેલાયેલી રહસ્યમય ગુથ્થી બનેલી હતી, પરંતુ અંતે મૃતકના ભાઈના એક નિવેદને સુનિતા અને તેના પ્રેમીના આ પાપનો પર્દાફાશ કરી દીધો છે.
પ્રેમ સંબંધમાં આડો આવતા હત્યા
11 મહિના પહેલા ગુમ થયેલા બલીરામ સૂર્યનાથ કુશવાહા ઐરોલીના યાદવનગરમાં પત્ની સુનિતા અને બાળકો સાથે રહેતા હતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે સુનિતાને રાહુલ દશરથ પ્રજાપતિ નામના યુવક સાથે ગેરકાયદેસર સંબંધો હતા. પતિ બલીરામ આ સંબંધોમાં અવરોધ બનતો હોવાથી બંનેએ તેને રસ્તામાંથી કાયમ માટે હટાવવાનું કાવતરું ઘડ્યું હતું.
અદાલતોએ 24X7 કામ કરવું જોઈએ... : સુપ્રીમ કોર્ટે દર્શાવી સહમતિ, તમામ હાઈકોર્ટને મોકલી નોટિસ
મૃતદેહના કટરથી ત્રણ ટુકડા કર્યા
હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે આરોપીઓએ કટરથી તેના ત્રણ ટુકડા કર્યા હતા અને પુરાવા નાશ કરવાના ઈરાદે ગવલી દેવ પહાડીના જંગલમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. ગુનો આચર્યા બાદ બંને આરોપીઓ કોઈને શંકા ન જાય તે રીતે સામાન્ય જીવન જીવી રહ્યા હતા.
ભાઈની શંકાથી ફૂટ્યો ભાંડો
લાંબા સમય સુધી બલીરામનો કોઈ પતો ન મળતા આખરે તેના ભાઈને શંકા ગઈ અને તેણે રબાલે MIDC પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, કોલ ડિટેઈલ્સ અને લોકેશન ટ્રેકિંગની મદદથી તપાસ તેજ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. શંકાના આધારે પત્ની સુનિતા કુશવાહા અને તેના પ્રેમી રાહુલ પ્રજાપતિની અટકાયત કરી પૂછપરછ કરાતા બંનેએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
પુણેના કેતન અગ્રવાલ કેસ જેવી જ પેટર્ન
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પુણેમાં થયેલા કેતન અગ્રવાલ હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. જેમાં મંગેતર સિયા ગોયલ પર તેના પ્રેમી સાથે મળીને થનારા પતિની હત્યાનો આરોપ છે. સિયાએ કેતનને કિલ્લા પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની આશંકા વચ્ચે પોલીસ હાલ તપાસ કરી રહી છે, ત્યાં જ નવી મુંબઈમાં પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે.





