Home Gujarat Ahmedabad Sola Civil New Ct Scan Cochlear Implant Ot Inauguration

અમદાવાદની સોલા સિવિલમાં આધુનિક આરોગ્ય સુવિધાઓનો વધારો : આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવી CT સ્કેન, સોનોગ્રાફી અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ OTનું લોકાર્પણ

સોલા સિવિલ હોસ્પિટલમાં નવી CT સ્કેન અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ OTનું લોકાર્પણ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 12:56 PM IST

અમદાવાદ: રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક આરોગ્યસુવિધાઓનો મહત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં નવી 128-સ્લાઇસ CT સ્કેન મશીન, હાઇ-એન્ડ સોનોગ્રાફી મશીન અને કોક્લીયર ઇમ્પ્લાન્ટ માટેના અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર (OT)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી તેમજ કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવનારા બાળદર્દીઓ સાથે સંવેદનાસભર મુલાકાત કરી હતી.

CSR અને રાજ્ય સરકારના સહયોગથી વિકસાવી અદ્યતન સુવિધાઓ

સોલા સિવિલ હોસ્પિટલમાં CSR ફંડ હેઠળ અંદાજે ₹4.5 કરોડના ખર્ચે 128-સ્લાઇસ CT સ્કેન મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ₹55 લાખના ખર્ચે કોક્લીયર ઇમ્પ્લાન્ટ માટે વિશેષ મોડ્યુલર OT તૈયાર કરવામાં આવ્યું છે. આ ઓપરેશન થિયેટરમાં ₹33 લાખના ખર્ચે આધુનિક એનેસ્થેસિયા વર્કસ્ટેશન અને ₹3 લાખના ખર્ચે OT ટેબલ પણ રોગી કલ્યાણ સમિતિ (RKS) ફંડમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

હૃદયરોગ સહિત ગંભીર બીમારીઓના નિદાનમાં મળશે ઝડપ

નવી CT સ્કેન મશીન અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ હોવાથી હૃદયમાં લોહી પહોંચાડતી કોરોનરી આર્ટરીમાં કેલ્સિફિકેશન, બ્લોકેજ, સંકોચાયેલી નસો અને અન્ય ગંભીર સમસ્યાઓનું ઝડપી અને ચોક્કસ નિદાન શક્ય બનશે. સમયસર નિદાન થવાથી હાર્ટ એટેક જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય તે પહેલાં જ જરૂરી સારવાર શરૂ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ બનશે.

સોનોગ્રાફી સેવાઓ પણ વધુ આધુનિક બની

રેડિયોલોજી વિભાગમાં લગભગ ₹47.50 લાખના ખર્ચે ફિલિપ્સ કંપનીનું હાઇ-એન્ડ સોનોગ્રાફી મશીન પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. નવી સુવિધાઓના કારણે વિવિધ પ્રકારની તપાસ વધુ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તા સાથે થઈ શકશે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં સહાય મળશે.

કોક્લીયર ઇમ્પ્લાન્ટમાં સોલા સિવિલ રાજ્યમાં પ્રથમ ક્રમે

રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ સાંભળવાની ક્ષમતા ગુમાવનાર બાળકો માટે કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરી સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે. દર વર્ષે રાજ્યમાં અંદાજે 200 જેટલા બાળકોની આવી સર્જરી કરવામાં આવે છે, જ્યારે અત્યાર સુધી 3,500થી વધુ બાળકોને તેનો લાભ મળી ચૂક્યો છે. ગુજરાતની કુલ નવ સરકારી સંસ્થાઓમાં આ સેવા ઉપલબ્ધ છે, જેમાં સોલા સિવિલ હોસ્પિટલ રાજ્યમાં અગ્રણી સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો: કચ્છના મુન્દ્રા પોર્ટ રોડ પર SOGની મોટી કાર્યવાહી : ₹2.10 લાખનું હેરોઈન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

બાળદર્દીઓ માટે જીવન બદલનારી સારવાર

કોક્લીયર ઇમ્પ્લાન્ટ સર્જરીથી જન્મજાત અથવા અન્ય કારણોસર સાંભળવાની ક્ષમતા ગુમાવનાર બાળકોને ફરીથી અવાજની દુનિયા સાથે જોડવાની તક મળે છે. સર્જરી પહેલાં જરૂરી CT સ્કેન, MRI, ઓડિયોલોજી ટેસ્ટ, મનોચિકિત્સકીય મૂલ્યાંકન અને રસીકરણ જેવી તમામ તપાસો રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે. નવી મોડ્યુલર OT શરૂ થતાં સર્જરીની ક્ષમતા અને સારવારની ગુણવત્તામાં વધુ વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now