Home Gujarat Botad Instagram Dispute Murder Four Accused Arrested

બોટાદમાં બહેનને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલવાના વિવાદમાં હત્યા : સમાધાન માટે ભેગા થયેલા જૂથો વચ્ચે લોહિયાળ ખેલ, 1નું મોત, 2 ઇજાગ્રસ્ત

બોટાદ હત્યા કેસ અંગે માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 01:58 PM IST

બોટાદ: બોટાદ શહેરના ટાઉન પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા ખસ રોડ પર ઇન્સ્ટાગ્રામ પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો છે. અગાઉ થયેલી બોલાચાલીના સમાધાન માટે બંને પક્ષો ભેગા થયા હતા, પરંતુ વાતચીત દરમિયાન ફરી ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ફરિયાદના આધારે કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ત્રણ આરોપી સગીર વયના હોવાનું સામે આવ્યું છે.

સમાધાન બેઠક દરમિયાન હિંસક હુમલો

પોલીસના જણાવ્યા મુજબ, 9 જુલાઈની રાત્રે બોટાદના ખસ રોડ પર બંને પક્ષો અગાઉ થયેલા વિવાદનો ઉકેલ લાવવા માટે ભેગા થયા હતા. શરૂઆતમાં વાતચીત શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ થોડા જ સમયમાં ફરી ઉગ્ર બોલાચાલી શરૂ થતાં મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં હરપાલભાઈ રવુભાઈ ખાચર ગંભીર રીતે ઘાયલ થયા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

બે ઘાયલની હોસ્પિટલમાં સારવાર

આ હુમલામાં અક્ષયભાઈ રાજુભાઈ ખાચરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સતુભાઈ વલકુભાઈ બોરીચાને બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બોટાદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી તપાસમાં જોડાઈ હતી.

ચાર આરોપી ઝડપાયા, એક હજુ ફરાર

મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન કુલ પાંચ આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી મયુર કીરીટસિંહ ડાયમા સહિત ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે જસપાલ મહોબતસંગ ચાવડા નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. તેની શોધખોળ માટે વિવિધ ટીમો કામગીરી કરી રહી છે.

ત્રણ આરોપી સગીર હોવાનું સામે આવ્યું

પોલીસ તપાસમાં ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી ત્રણ સગીર વયના હોવાનું બહાર આવ્યું છે. સગીર આરોપીઓને કાયદાકીય પ્રક્રિયા અનુસાર આગળની કાર્યવાહી માટે ભાવનગર મોકલવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો, ઘટનાના કારણો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સાબરમતી કાળીગામ યાર્ડમાં ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ : ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ; તપાસ શરૂ

સોશિયલ મીડિયા વિવાદે લીધો ગંભીર વળાંક

પ્રાથમિક તપાસ મુજબ સમગ્ર વિવાદની શરૂઆત ઇન્સ્ટાગ્રામ પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે થઈ હતી. સામાન્ય સોશિયલ મીડિયા વિવાદ સમાધાનની બેઠક દરમિયાન હિંસક અથડામણમાં ફેરવાઈ જતાં એક યુવકનો જીવ ગયો અને બે લોકો ઘાયલ થયા. પોલીસે લોકોને સોશિયલ મીડિયા સંબંધિત વિવાદોને કાયદેસર અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now