વડોદરાની ગોત્રી સ્થિત GMERS હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર પ્રશ્નચિહ્ન ઊભો કરતો કિસ્સો સામે આવ્યો છે. નર્સિંગ સ્ટાફની મોટી ચૂકના કારણે એક દર્દીને જરૂરી ચકાસણી કર્યા વગર અન્ય બ્લડ ગ્રુપનું લોહી ચઢાવી દેવામાં આવ્યું હતું. આ ઘટનાથી દર્દીની તબિયત બગડતા તેને તાત્કાલિક ICUમાં ખસેડવાની ફરજ પડી હતી.
આ ઘટના આણંદ જિલ્લાના ભેટાસી ગામની એક પરિણીત મહિલા સાથે થઈ છે. જે ટીબી જેવી ગંભીર બીમારીથી પીડાતી હતી અને હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જતા સારવાર માટે તેને ગોત્રી GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બ્લડ ટ્રાન્સફ્યુઝન જરૂરી બનતા પરિવારજનોએ બ્લડ બેંકમાંથી લોહી લાવવા પ્રક્રિયા શરૂ કરી હતી. પરંતુ આ દરમિયાન જ નર્સિંગ સ્ટાફ દ્વારા ગંભીર ભૂલ થઈ ગઈ.
દર્દીના સગા બ્લડ બેંકમાંથી યોગ્ય બ્લડ લાવવા ગયા હતા, ત્યારે નર્સિંગ સ્ટાફે હોસ્પિટલમાં હાજર અન્ય દર્દી માટે રાખવામાં આવેલ બ્લડ પીડિતાને ચઢાવી દીધું. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ લોહી પીડિતાના બ્લડ ગ્રુપ સાથે મેળ ખાતું નહોતું.
જ્યારે પરિવારજનોએ બ્લડ લઈને પાછા આવ્યા, ત્યારે નર્સિંગ સ્ટાફને પોતાની ભૂલની જાણ થઈ. પરંતુ તે પહેલા જ કેટલાક મિલીલીટર જેટલું ખોટું લોહી દર્દીને ચઢાવી દેવામાં આવ્યું હતું. આથી દર્દીની તબિયત અચાનક લથડી ગઈ અને તાત્કાલિક તેને ICUમાં ખસેડીને ઇમરજન્સી સારવાર શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો: પોલીસની ‘જનરક્ષક’ ગાડી હવે રીલ્સ બનાવવા માટે? : રિવરફ્રન્ટ પર શૂટિંગનો વીડિયો વાયરલ થતા વિવાદ
હોસ્પિટલમાં હંગામો અને આરોપો
આ બનાવની જાણ થતાં જ દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હંગામો મચાવ્યો હતો. તેમણે હોસ્પિટલ તંત્ર અને નર્સિંગ સ્ટાફ પર ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે આવી મૂળભૂત તપાસ વિના બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું જીવલેણ સાબિત થઈ શકે છે.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
આ પણ વાંચો: ભાવનગર મનપાની એપ્રિલ મહિનામાં જ થઈ અધધ કમાણી : એક ક્લિકમાં જાણો થઈ કેટલી કમાણી
આરોગ્ય તંત્ર પર ઉઠેલા પ્રશ્નો
આ ઘટના માત્ર એક હોસ્પિટલની બેદરકારી સુધી સીમિત નથી પરંતુ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની જવાબદારી અને પ્રોટોકોલ પર પણ સવાલ ઉભા કરે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝન જેવી પ્રક્રિયામાં સામાન્ય રીતે કડક ચકાસણી, ડબલ વેરિફિકેશન અને ડોક્ટરની મંજૂરી જરૂરી હોય છે. તેમ છતાં આવી ગંભીર ચૂક કેવી રીતે થઈ, તે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે.
હાલમાં દર્દીની સ્થિતિ ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે અને તેને ICUમાં વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




