અમદાવાદ: શહેરના હૃદય સમાન સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની કાર્યપ્રણાલી સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. નાગરિકોની સલામતી અને તાત્કાલિક સહાય માટે તૈનાત કરવામાં આવેલી અમદાવાદ પોલીસની '112 જનરક્ષક' ગાડી પર બેસીને બનાવવામાં આવેલી એક સોશિયલ મીડિયા રીલ હાલ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગ દ્વારા આ મામલે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સરકારી ગાડીના બોનેટ પર બેસીને કરાયું ફિલ્માંકન
વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, સાબરમતી રિવરફ્રન્ટના એક વિસ્તારમાં પોલીસની જનરક્ષકની જીપ ઉભેલી છે. એક અજાણી વ્યક્તિ આ સરકારી ગાડીના બોનેટ પર બેસીને 'તું ખીચ મેરી ફોટો' ગીત પર રીલ શૂટ કરાવી રહી છે. રાત્રિના સમયે લેવામાં આવેલા આ વીડિયોમાં જે રીતે સરકારી મિલકતનો ઉપયોગ અંગત પ્રસિદ્ધિ માટે કરવામાં આવ્યો છે, તેનાથી પોલીસની શિસ્ત અને પેટ્રોલિંગની કામગીરી પર અનેક આશંકાઓ સેવાઈ રહી છે.
પીઆઈએ તપાસના આદેશ આપ્યા
આ ઘટના અંગે સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી. રજિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબત અમારા ધ્યાને આવી છે. વીડિયોમાં દેખાતી ગાડીનો નંબર અને ચોક્કસ લોકેશન મેળવવા માટે વ્યક્તિગત સ્તરે તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીડિયો તાજેતરનો છે કે જૂનો, તેમજ તે સમયે ગાડી પર કયા કર્મચારીની ફરજ હતી તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: કચ્છમાં ISIS નું નેટવર્ક! : SOG દ્વારા સો. મીડિયામાં દેશ વિરોધી વિચારધારા ફેલાવનાર યુવક વિરુદ્ધ ફરિયાદ
સુરક્ષા માટેની ગાડી 'રોલા' પાડવા વપરાતા રોષ
પોલીસની 112 નંબરની ગાડીઓ સતત પેટ્રોલિંગ માટે હોય છે જેથી જરૂરિયાતના સમયે નાગરિકોને ત્વરિત મદદ મળી શકે. જોકે, આ પ્રકારે જાહેર સ્થળે સરકારી ગાડીનો રીલ બનાવવા માટે ઉપયોગ થવો તે સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી દર્શાવે છે. રિવરફ્રન્ટ પર હાજર પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ વીડિયો ઉતારવામાં આવ્યો છે કે કેમ, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. હાલમાં તો આ વાયરલ રીલ અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.






