સંસ્કારી નગરી વડોદરા હવે પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે એક નવા પરિવહન યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ‘PM E-bus Sewa’ યોજના હેઠળ શહેરના જાહેર પરિવહનને આધુનિક અને પર્યાવરણમિત્ર બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજનાના અમલીકરણ બાદ ટૂંક સમયમાં વડોદરાના રસ્તાઓ પર જૂની CNG બસોની જગ્યાએ અત્યાધુનિક ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે. શહેરમાં કુલ 250 ઇલેક્ટ્રિક બસને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 42 બસ સેવા માટે ઉતારવામાં આવશે.
પ્રદૂષણથી મળશે મુક્તિ
વડોદરા શહેરમાં વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ઈલેક્ટ્રિક બસો ‘ઝીરો એમિશન’ ટેકનોલોજી પર આધારિત હોવાથી તેમાંથી કોઈ પણ પ્રકારનો ધુમાડો બહાર નથી નીકળતો. આ ઉપરાંત, આ બસો પરંપરાગત ડીઝલ અથવા CNG બસોની તુલનામાં ખૂબ જ ફાયદા કારક છે. ઈલેક્ટ્રિક બસથી અવાજ અને વાયુનું પ્રદૂષણ ઘટશે. મુસાફરોને આ બસોમાં વધુ આરામદાયક અને ઘોંઘાટમુક્ત મુસાફરીનો અનુભવ મળશે.
આ પણ વાંચો: અમદાવાદ માટે ભાજપનું ભવ્ય સંકલ્પ પત્ર : રિવરફ્રન્ટનાં વિસ્તરણથી લઈને 3000 ઈલેક્ટ્રિક બસનાં આપ્યા વચનો
ઈ-બસ આધુનિક સુવિધાઓથી છે સજ્જ
નવી ઈલેક્ટ્રિક બસોમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તમામ બસો એર-કન્ડિશન્ડ હશે જેથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ મુસાફરોને આરામદાયક અનુભવ મળશે. ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમથી કેશલેસ પેમેન્ટ અને ઓનલાઈન પાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે જે મુસાફરીને વધુ સરળ બનાવશે. સુરક્ષા માટે દરેક બસમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી મુસાફરો અને ખાસ કરીને મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઉભું થશે.
દિવ્યાંગજનો માટે સુલભતા
આ ઈ-બસોની એક વિશેષતા એ છે કે તેમાં દિવ્યાંગજનોને ધ્યાનમાં રાખીને ખાસ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક બસમાં વ્હીલચેર રેમ્પની વ્યવસ્થા હશે જેથી દિવ્યાંગ વ્યક્તિઓ કોઈની મદદ વગર સ્વતંત્ર રીતે મુસાફરી કરી શકશે. બસમાં તેમના માટે અનામત બેઠકો રાખવામાં આવી છે.
ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઈલેક્ટ્રિક બસોના સંચાલન માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોય છે અને વડોદરા તેમાં પણ આગળ વધી રહ્યું છે. વડોદરાના ગોત્રી અને સયાજીગંજ વિસ્તાર ખાતે હાઈ-ટેક ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને સયાજીગંજ રેલવે સ્ટેશન સામેનું જુનું સિટી બસ સ્ટેન્ડ હવે આધુનિક ‘ઈલેક્ટ્રિક ચાર્જિંગ હબ’માં પરિવર્તિત થઈ રહ્યું છે. આ સ્થળ શહેરની નવી ટેકનોલોજીકલ ઓળખ તરીકે ઉભરી શકે છે અને અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પગલું સમગ્ર જીવનમાણદંડને સુધારવા તરફનું એક મોટું પગલું છે. પ્રદૂષણમાં ઘટાડો, આરામદાયક મુસાફરી અને આધુનિક સુવિધાઓથી શહેર પહેલાં કરતા પણ સુવ્યવસ્થિતબનશે. જો આ પ્રોજેક્ટ સફળ રહે તો તે ગુજરાતના અન્ય શહેરો માટે પણ મોડેલ બની શકે છે. આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધતા આવા પ્રયાસો શહેરોના ટકાઉ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.





