અમદાવાદ શહેરની આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરાયેલા આ મેનિફેસ્ટોમાં શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ, આરોગ્ય, પરિવહન અને સામાજિક વિકાસના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. અમદાવાદને આગામી દાયકામાં આધુનિક અને સુવ્યવસ્થિત મહાનગર તરીકે વિકસાવવાનો રોડમેપ પણ દર્શાવાયો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટમાં આવશે પરિવર્તન
ભાજપના સંકલ્પ પત્રમાં અમદાવાદના ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરી છે. સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે રિવરફ્રન્ટને ડફનાળાથી ઈન્દિરા બ્રિજ અને ગિફ્ટ સિટી સુધી વિસ્તૃત કરવાની યોજના છે. આ સાથે 17 નવા બ્રિજ બનાવવાના અને સુભાષબ્રિજને 8 લેન બનાવવાનું આયોજન છે. AI આધારિત ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ વિકસાવવાની અને 100 લેફ્ટ ટર્ન ખુલ્લા મૂકવાની યોજના છે. ફાટકમુક્ત અમદાવાદ બનાવવાનો પણ સંકલ્પ કરાયો છે.
જાહેર પરિવહન અને પર્યાવરણ
શહેરમાં 2030 સુધીમાં 3000 ઈલેક્ટ્રિક બસ દોડાવવાનો લક્ષ્યાંક છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમદાવાદનું ગ્રીન કવર 12.50%થી વધારીને 18% સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પીરાણા ડમ્પ સાઇટને સંપૂર્ણપણે હટાવવાની અને કચરામાંથી બાયોગેસ અને CNG ગેસ ઉત્પન્ન કરવાની યોજના સ્વચ્છતા અને ઊર્જા બંને માટે ફાયદાકારક બની શકે છે.
સ્લમ મુક્ત અમદાવાદનું સપનું
સંકલ્પ પત્રમાં અમદાવાદને સ્લમ મુક્ત બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. 50,000 નવા મકાનો બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. વર્ષો જૂની પાણી અને ગટર લાઈનોમાંથી 500 KM લાઈનો બદલવાની યોજના પણ શહેરી સુવિધાઓમાં સુધારો લાવશે.
આરોગ્ય અને સામાજિક સુરક્ષાની યોજના
કેન્સર મુક્ત અભિયાન હેઠળ દીકરીઓ માટે સર્વાઈકલ કેન્સરની તપાસ અને રસી ઉપલબ્ધ કરાવવાની યોજના છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફત સારવારની સુવિધા આપવાનું આયોજન છે. વીજળીના બિલમાં 43 ટકા સુધી બચત થાય તે માટેના ઉપાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાજપમાં 'ભડકો! નારાજગીની 'કવિતા' વાયરલ : "નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં..."
રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ
દરેક વોર્ડમાં એક મેદાન અને બ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઝોન બનાવવાની યોજના છે. જગન્નાથ મંદિરના વિકાસ માટેની યોજના પણ ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે વધારો લાવી શકે છે.
ભાજપનો દાવો છે કે શહેરમાં વધતી જનસંખ્યા, ટ્રાફિક સમસ્યાઓ, પ્રદૂષણ અને રહેણાંક સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. ગત કાર્યકાળમાં 96 ટકા કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જો આ યોજનાઓ અસરકારક રીતે અમલમાં આવે તો અમદાવાદ આગામી વર્ષોમાં વધુ સુવ્યવસ્થિત, સ્વચ્છ અને આધુનિક શહેર તરીકે ઉભરી શકે છે.






