Home Gujarat Gir Somnath Bjp Internal Conflict Veraval Office Inauguration

ભાજપમાં 'ભડકો! નારાજગીની 'કવિતા' વાયરલ : "નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં..."

વેરાવળ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Apr 16, 2026, 07:49 AM IST

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ભલે ભવ્યતાથી થયું હોય, પરંતુ તેની પાછળ પક્ષની આંતરિક ખેંચતાણ અને ઉકળતો અસંતોષ સ્પષ્ટપણે સપાટી પર આવ્યો છે. શક્તિ પ્રદર્શનના આ મંચ પરથી એકતાના દાવાઓ તો થયા, પણ ખાલી ખુરશીઓ અને પક્ષના દિગ્ગજ ચહેરાઓની ગેરહાજરીએ ઘણું બધું કહી દીધું છે. આગામી નગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ફાટી નીકળેલી આ આંતરિક જ્વાળા પક્ષ માટે ચિંતાનો વિષય બની છે.

શક્તિ પ્રદર્શન કે અસંતોષનું પ્રદર્શન?

સામાન્ય રીતે ભાજપના કોઈ પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હોય ત્યારે કાર્યકરોનો મહાસાગર ઉમટી પડતો હોય છે. પરંતુ વેરાવળના આ પ્રસંગે ચિત્ર કંઈક જુદું જ હતું. અનેક સમાજના મોભીઓ, સ્થાનિક આગેવાનો અને પક્ષના પાયાના ગણાતા કાર્યકરોની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે આ ગેરહાજરી એ કોઈ વ્યક્તિગત કારણ નથી, પરંતુ સંગઠન સામેનો એક મૌન વિરોધ છે.

ટિકિટ વિતરણ: 300 દાવેદારો અને 36 ની પસંદગીનો 'કાંટો'

નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે ભાજપમાં ટિકિટ મેળવવા જાણે હોડ જામી હતી. અંદાજે 300 જેટલા મહત્વાકાંક્ષી દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, પક્ષે જ્યારે માત્ર 36 ઉમેદવારોના નામ જાહેર કર્યા, ત્યારે બાકીના 264 દાવેદારોમાં રોષ ફાટી નીકળ્યો. લોકશાહીમાં દાવેદારી કરવી સૌનો અધિકાર છે, પરંતુ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકોની બાદબાકી થાય ત્યારે અસંતોષ વકરવો સ્વાભાવિક છે.

પ્રમુખની કવિતા: વિરોધીઓને કડક ચેતવણી

કાર્યક્રમ દરમિયાન સૌથી વધુ ચર્ચા ડૉ. સંજય પરમારના ભાષણની થઈ. તેમણે સીધી વાત કરવાને બદલે કવિતા અને શાયરીઓના માધ્યમથી અસંતુષ્ટો પર આકરા પ્રહારો કર્યા. તેમણે અટલ બિહારી બાજપાઈની પંક્તિઓ ટાંકીને કહ્યું:

“સબ કુછ લગા હૈ દાવ પર અબ રૂક નહીં સકતે, તૂટ સકતે હૈ મગર અબ ઝુક નહીં સકતે.”

બીજી બે પંક્તિ મને યાદ આવે છે કે, 'જબ ચુપ્પી હો જાતી હૈ જબ બાત અપને ગુનાહો કી હો, બાત દુજે કી હો તો શોર બહુત મચતા હૈ'.

300 જેટલા દાવેદારો હતા નગરપાલિકામાં અંદાજિત, એમાંથી અમે 36 દાવેદારોને, ઉમેદવારોને ટિકિટ આપી શક્યા છીએ. છેલ્લે એટલું જ કહેવાનું કે "નથી કરવાનું અભિમાન કે મારા સિવાય કંઈ થાય નહીં, અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વગર!"

આ પંક્તિઓ દ્વારા તેમણે સ્પષ્ટ કરી દીધું કે પક્ષ હાઈકમાન્ડ પોતાના નિર્ણયો પર અડગ છે અને શિસ્તભંગ કરનારાઓ સામે ઝૂકશે નહીં. વધુમાં, તેમણે કાર્યકરોને અરીસો બતાવતા કહ્યું કે, જ્યારે વાત પોતાના વાંકની હોય ત્યારે લોકો મૌન સેવે છે, પણ બીજાની ભૂલો શોધવામાં શોર મચાવે છે.

આ પણ વાંચો: 'દમ હોય તો ચૂંટણી લડીને જીતો' : કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટનમાં તુષાર ચૌધરીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

શું આ અસંતોષ ચૂંટણીમાં નડશે?

ગીર સોમનાથ એ રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ જિલ્લો છે. અહીં જ્ઞાતિ-જાતિના સમીકરણો અને સંગઠનનું માળખું ખૂબ મહત્વ ધરાવે છે. જો આંતરિક વિખવાદ સમયસર ઉકેલવામાં નહીં આવે, તો વિપક્ષ કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીને બેઠા બેઠા ફાયદો મળી શકે તેમ છે. ભાજપના પાયાના કાર્યકરો જો નિષ્ક્રિય થઈ જાય અથવા 'ભીતરઘાત' કરે, તો પરિણામો પક્ષની વિરુદ્ધમાં જઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now