Home Gujarat Vadodara Tushar Chaudhary Slams Bjp At Vadodara Congress Office Inauguration

'દમ હોય તો ચૂંટણી લડીને જીતો' : કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટનમાં તુષાર ચૌધરીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Vadodara Congress Tushar Chaudhary Election 2026
Published by: Nirali Gohil
Last Updated: Apr 16, 2026, 06:37 AM IST

વડોદરા: ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા તુષાર ચૌધરીએ વડોદરામાં ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે. વડોદરાના વોર્ડ નંબર પાંચમાં કોંગ્રેસના નવા જનસંપર્ક કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા તુષાર ચૌધરીએ સત્તાધારી પક્ષ પર લોકશાહીના ચીરેચીરા ઉડાડવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભાજપ અત્યારે સત્તાના જોરે વિરોધ પક્ષને ખતમ કરવાના મનસૂબા ઘડી રહ્યું છે.

તુષાર ચૌધરીએ વડોદરાના વિકાસ અને શાસન વ્યવસ્થા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો અને જનતા હવે જાગૃત થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે ભાજપના શાસનમાં સામાન્ય જનતાના પ્રશ્નો વણઉકેલ્યા રહ્યા છે અને માત્ર ભ્રષ્ટાચારમાં જ વધારો થયો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આગામી ચૂંટણીઓમાં ભાજપને પાઠ ભણાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: ડીપફેક અને વાંધાજનક કન્ટેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ : Meta, Google અને X ને ફટકારી નોટિસ

"લોભ-લાલચ અને ધાક-ધમકીનું રાજકારણ બંધ કરો": તુષાર ચૌધરી

વિરોધ પક્ષના નેતાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને લોભ-લાલચ આપી રહી છે અને જો તે કામ ન કરે તો પોલીસ તંત્ર કે અન્ય સરકારી એજન્સીઓના જોરે ધાક-ધમકી આપી ફોર્મ પાછા ખેંચવા મજબૂર કરી રહી છે. તેમણે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, "જો તમારામાં ખરેખર દમ હોય અને તમે વિકાસના કામો કર્યા હોય, તો ડરાવવાનું બંધ કરો અને ચૂંટણી લડીને મેદાનમાં જીતી બતાવો".

જનતા કોંગ્રેસને આપશે બહુમતી, ભાજપનું અભિમાન ઉતરશે

તુષાર ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં જનતા ભાજપની આ 'તાનાશાહી' નીતિને સમજી ગઈ છે. તેમણે કહ્યું કે જે રીતે લોકશાહીમાં વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેનો જવાબ પ્રજા બેલેટ પેપરથી આપશે. પ્રજા કોંગ્રેસને જંગી બહુમતી આપીને ભાજપની શાન ઠેકાણે લાવશે તેવો દાવો પણ તેમણે આ તબક્કે કર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now