Home Gujarat Gujarat Highcourt Deepfake Notice Meta Google X

ડીપફેક અને વાંધાજનક કન્ટેન્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ : Meta, Google અને X ને ફટકારી નોટિસ

ગુજરાત હાઇ કોર્ટ
Published by: Chintan Chavda
Last Updated: Apr 16, 2026, 06:30 AM IST

આધુનિક ટેકનોલોજીના દુરુપયોગ અને સોશિયલ મીડિયા પર ફેલાતા ભ્રામક કન્ટેન્ટ અંગે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદના એક નાગરિક દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન, અદાલતે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફેલાતા ખોટા વીડિયો અને માહિતી બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે કોર્ટે Meta, X (ટ્વિટર) અને Google જેવી અગ્રણી ટેક કંપનીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

ટેક કંપનીઓની બેદરકારી સામે કોર્ટની ટકોર

અરજદારની રજૂઆત હતી કે અનેક ફરિયાદો છતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા વાંધાજનક કન્ટેન્ટ હટાવવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. ઘણીવાર 'URL ઉપલબ્ધ નથી' તેવા ટેકનિકલ બહાના હેઠળ પ્રક્રિયામાં વિલંબ કરવામાં આવે છે. હાઈકોર્ટે સ્પષ્ટપણે નોંધ્યું કે જો પ્લેટફોર્મ પર કોઈ કન્ટેન્ટ અપલોડ થાય છે, તો તેની સત્યતા તપાસવાની અને વેરિફિકેશનની જવાબદારી પણ જે-તે કંપનીની જ હોવી જોઈએ. આ સમસ્યાથી સામાન્ય જનતા અને ખાસ કરીને બાળકો પર વિપરીત અસર પડી રહી છે.

સરકારી નિર્દેશોનું ઉલ્લંઘન અને કાયદાકીય ગુંચ

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. જાન્યુઆરી 2026 દરમિયાન 107 જેટલા વાંધાજનક કન્ટેન્ટ દૂર કરવા આદેશ અપાયા હોવા છતાં, તેમાંથી મોટાભાગના હજુ પણ ઓનલાઇન જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે કોર્ટને માહિતગાર કર્યા હતા કે નવા નિયમો મુજબ હવે વાંધાજનક સામગ્રી 3 કલાકમાં દૂર કરવી ફરજિયાત છે. જોકે, કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે જો કંપનીઓ આ આદેશોનું પાલન ન કરે તો તેમની સામે સીધી કઈ કાર્યવાહી થઈ શકે?

આ પણ વાંચો: AI ચેટબોટને ભૂલથી પણ ના પુછશો આ વાત : 50 ટકા સલાહ હોઈ શકે છે ખોટી

'સહયોગ' પોર્ટલ સાથે જોડાવા સૂચન

સ્થિતિની ગંભીરતાને જોતા હાઈકોર્ટે ટેક કંપનીઓને કેન્દ્ર સરકારના “સહયોગ” પોર્ટલ સાથે અનિવાર્યપણે જોડાવા સૂચન કર્યું છે. આનાથી વિવાદિત કન્ટેન્ટ સામે ત્વરિત એક્શન લઈ શકાશે. અદાલતે કેન્દ્ર સરકારને પ્લેટફોર્મ પ્રોવાઇડર્સની જવાબદારી નક્કી કરવા અને નિર્દેશોનું ઉલ્લંઘન કરનાર સામે અસરકારક પગલાં લેવા અંગે પણ વિચારણા કરવા જણાવ્યું છે. હાલમાં આ મુદ્દે વધુ તપાસ અને ટેક કંપનીઓના જવાબની રાહ જોવાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now