Home Gujarat Galteshwar Kheda Luxury Bus Overturn Accident Sevaliya Road

ખેડાના ગળતેશ્વર નજીક ખાનગી લક્ઝરી બસ પલટી : 55 થી વધુ મહિલા-બાળકો ઈજાગ્રસ્ત; 1 વૃદ્ધાનું મોત

ખેડામાં બસ અકસ્માતના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 14, 2026, 08:12 AM IST

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાણંદના ઇયાવા ગામથી ગળતેશ્વર દર્શનાર્થે જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ સેવાલીયા રોડ પર આવેલા લહેરીપુરા નજીક અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર 55 થી વધુ મહિલાઓ અને બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં સારવાર દરમિયાન એક 62 વર્ષીય વૃદ્ધાનું કરૂણ મોત નીપજ્યું છે.

બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત

પ્રાથમિક તપાસ અને સ્થાનિક તારણો મુજબ, લક્ઝરી બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પહેલાં બસ અંબાવ ગામના ભારે ટ્રાફિક જામમાંથી માંડ-માંડ નીકળી હતી. જો ટ્રાફિક જામની વચ્ચે જ બ્રેક ફેલ થઈ હોત તો ઘણી મોટી જાનહાનિ થઈ શકી હોત, જે સદનસીબે ટળી છે.

વીજ ટાવર વળતર, MSP અને પોલીસ દમનના મુદ્દે ખેડૂતોનો રોષ: સુરતથી ગાંધીનગર માટે ‘ખેડૂત અધિકાર યાત્રા’ શરૂ

સ્થાનિકો અને સેવાલીયા પોલીસની પ્રશંસનીય કામગીરી

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો ભારે સંખ્યામાં મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી માટે તાબડતોબ 10 થી વધુ '108' એમ્બ્યુલન્સ વાહનો અને અન્ય ખાનગી વાહનોની મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સેવાલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડાયા હતા.

સુરતમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા!: નશામાં ધૂત ASIએ BRTS બસને મારી ટક્કર, કારમાંથી મળી દારૂની બોટલ અને પોલીસ વર્દી

હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર રહેતા હોબાળો

અકસ્માત બાદ સેવાલીયા સરકારી હોસ્પિટલ ખાતે એક નવો વિવાદ સર્જાયો હતો. આટલી મોટી દુર્ઘટના છતાં હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર ગેરહાજર જણાતા સ્થાનિકો અને દર્દીઓના સગામાં ભારે રોષ જોવા મળ્યો હતો. હાજર નર્સિંગ અને અન્ય મેડિકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સમયસર યોગ્ય તબીબી સારવાર ન મળવાને કારણે જ 62 વર્ષીય ઈજાગ્રસ્ત મહિલાનું મોત નીપજ્યું હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now