વડોદરા શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ આપવાના હેતુથી લાલ કોર્ટ હેરિટેજ બિલ્ડિંગને વિશ્વસ્તરીય સિટી મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની મહત્વાકાંક્ષી યોજના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અંદાજે ₹45 કરોડના ખર્ચે સાકાર થઈ રહેલા આ પ્રોજેક્ટનું રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત શહેરના રાજકીય અને વહીવટી આગેવાનોએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.
વડોદરાના હૃદયસ્થાને આવેલું લાલ કોર્ટ બિલ્ડિંગ શહેરના ગૌરવ અને ઐતિહાસિક વારસાનું પ્રતિક માનવામાં આવે છે. હવે આ ઇમારતને તેની મૂળ હેરિટેજ ઓળખ જાળવી રાખીને અત્યાધુનિક સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં વડોદરાને હેરિટેજ ટુરિઝમના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવશે.
ઐતિહાસિક વારસાને મળશે આધુનિક સ્વરૂપ
ફેબ્રુઆરી 2025થી શરૂ થયેલી આ કામગીરી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઈઝેશન લિમિટેડ (GITCO)ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે પ્રોજેક્ટના અમલીકરણની જવાબદારી વામા કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડને સોંપવામાં આવી છે.
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લાલ કોર્ટ બિલ્ડિંગના ઐતિહાસિક આર્કિટેક્ચર અને મૂળ ઓળખને જાળવી રાખીને તેને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મ્યુઝિયમમાં ફેરવવાનો છે. અહીં વડોદરાના ઈતિહાસ, સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય અને શહેરના વિકાસની સફરને આધુનિક પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: વડોદરમાં ભાજપ નેતાએ મોતને 'ગળે લગાવ્યું'! : પોલીસ અને પરણિત મહિલા પર ગંભીર આક્ષેપો
આગેવાનો દ્વારા સ્થળ નિરીક્ષણ
પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા માટે યોજાયેલા નિરીક્ષણ કાર્યક્રમમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપરાંત અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, મેયર ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, કોર્પોરેશનના પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનોએ પ્રોજેક્ટના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીની ગુણવત્તા, સમયમર્યાદા અને પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે જ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરાના ભાવપુરામાં હાઇટેન્શન ટાવર તૂટી પડ્યો : 3 શ્રમિકોએ ગુમાવ્યા જીવ
વડોદરા બનશે હેરિટેજ ટુરિઝમનું આકર્ષણ
મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવતા વિકાસકાર્યોની નિયમિત સમીક્ષા થવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે લાલ કોર્ટને આધુનિક સિટી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાનો આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વડોદરા શહેરને નવી ઓળખ મળશે.
તેમણે કહ્યું કે આ મ્યુઝિયમ માત્ર શહેરના નાગરિકો માટે જ નહીં પરંતુ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું મહત્વનું કેન્દ્ર બનશે. હેરિટેજ, સંસ્કૃતિ અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ સ્થળ એક અનોખો અનુભવ સાબિત થશે.
આ પણ વાંચો: વડોદરાનાં ફાયરિંગ કેસમાં 24 કલાકમાં પોલીસને મળી સફળતા : 4 હિસ્ટ્રીશીટર ઝડપાયા, પિસ્તોલ-તલવારોનો જથ્થો જપ્ત
ચૂંટણી પૂર્વે વિકાસકાર્યો પર ફોકસ
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે શહેરમાં ચાલી રહેલા વિકાસકાર્યોને પણ વધુ ગતિ આપવામાં આવી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લાલ કોર્ટ મ્યુઝિયમ પ્રોજેક્ટને શહેરના મહત્વના વિકાસકાર્યોમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે. શહેરના ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે આધુનિક પર્યટન સુવિધાઓ વિકસાવવાનો આ પ્રયાસ ભવિષ્યમાં વડોદરાની ઓળખને નવી ઊંચાઈ પર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લાલ કોર્ટ માત્ર એક ઐતિહાસિક ઈમારત નહીં રહે પરંતુ વડોદરાના ગૌરવ, સંસ્કૃતિ અને વિકાસનું જીવંત પ્રતીક બનીને ઉભરશે.





