Home Gujarat Vadodara Vadodara Corporation Election Congress Candidate Missing Ward 11

VMCની ચૂંટણીમાં કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા : ગાયબ થયેલા ઉમેદવાર સીધા ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા! મામલતદાર કચેરીએ ભારે હોબાળો

વડોદરા મ્યુનિસિપલ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિવાદ
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: Apr 15, 2026, 10:27 AM IST

Vadodara Politics: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા વડોદરાને પણ રાજકિય રંગ લાગ્યો છે. આજે ફોર્મ પરત ખેંચવાનાં અંતિમ દિવસે વડોદરા કોંગ્રેસમાં ભારે ઉથલપાથલ મચી છે. વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ રહસ્યમય રીતે ગાયબ થયા બાદ સીધા જ ફોર્મ પરત ખેંચવા પહોંચતા પક્ષમાં સોપો પડી ગયો છે.

વોર્ડ 11ના ઉમેદવાર ખોવાયા હતા

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11નાં ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિ બે દિવસ સુધી ખોવાયા હતા. છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા હતા. તેમના ગુમ થવાને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં હતા, પરંતુ આજે તેઓ અચાનક જ અકોટા મામલતદાર કચેરીએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

મામલતદાર કચેરીએ હોબાળો

કનુભાઈ પ્રજાપતિ ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા હોવાની જાણ થતા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અકોટા મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ લોકશાહીના ચીરેચીરા ઉડતા હોવાના સૂત્રોચ્ચાર સાથે ભારે હોબાળો કર્યો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટી તંત્રએ મામલતદાર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ પણ વાંચો: હોર્મુઝ પર નાકાબંધીના ભય વચ્ચે રાહતના સમાચાર : 20,400 મેટ્રિક ટન ગેસ સાથે કંડલા બંદરે પહોંચ્યુ આ ભારતીય જહાજ

ઉમેદવારો પર દબાણનો આરોપ

કોંગ્રેસનાં 10થી વધુ ઉમેદવારોને ધાક-ધમકી આપી ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરવાનો આક્ષેપ લગાવાયો છે. વોર્ડ નંબર 17 અને 18ના મહિલા ઉમેદવારોએ પણ આક્ષેપ કર્યો છે કે તેમને ચૂંટણી મેદાનમાંથી હટી જવા માટે માનસિક દબાણ આપવામાં આવી રહ્યું છે.

બપોરે 3 વાગ્યે ચિત્ર સ્પષ્ટ થશે

હાલ વડોદરા કોંગ્રેસના શિરોમણી નેતાઓ અને કાર્યકરોમાં ભારે ફફડાટ છે કે અંતિમ ક્ષણે કેટલા પંજાના ઉમેદવારો મેદાન છોડશે. બપોરે 3 વાગ્યે ફોર્મ ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે વડોદરાના જંગમાં કેટલા ઉમેદવારો બાકી રહ્યા છે. આ ઘટનાક્રમે વડોદરાના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now