Home Gujarat Vadodara Vadodara Congress Rally Madhu Srivastava Statement

ભાજપ માટે ભયના સંકેત? : વડોદરા વોર્ડ-16 માં કોંગ્રેસની વિજય સંકલ્પ રેલીમાં 'દબંગ' મધુ શ્રીવાસ્તવની એન્ટ્રી

Madhu Srivastava
Published by: Viral Patel
Last Updated: Apr 23, 2026, 02:35 PM IST

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 16 ના કોંગ્રેસના ઉમેદવારોની ‘વિજય સંકલ્પ રેલી’ એ સમગ્ર શહેરમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે. આ રેલીનું મુખ્ય આકર્ષણ સતત 10મી વખત ચૂંટણી લડી રહેલા દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) અને ભાજપના પૂર્વ 'દબંગ' ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની હાજરી રહી હતી. પોતાના ભાઈ માટે પ્રચારમાં ઉતરેલા મધુ શ્રીવાસ્તવે મક્કમ દાવો કર્યો છે કે, "આ વખતે વડોદરામાં કોંગ્રેસનું બોર્ડ બનશે."

લોકસેલાબ વચ્ચે શક્તિપ્રદર્શન

વોર્ડ નંબર 16 ના કોંગ્રેસના પેનલ ઉમેદવારો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગોપાલ રબારી, અલ્કાબેન પટેલ અને ચાંદનીબેન સોનવણે દ્વારા આયોજિત આ રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. આ રેલી માત્ર પ્રચાર નહીં, પરંતુ એક શક્તિપ્રદર્શન સમાન સાબિત થઈ હતી. ઠેર-ઠેર ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વાતાવરણ કોંગ્રેસના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: પાટીદારોના ગઢમાં ભૂપેન્દ્ર 'દાદા' નો મેગા શો : વરાછા વિસ્તારમાં CM ભૂપેન્દ્ર પટેલનો જોરશોરથી પ્રચાર

સતત 10મી વખત વિજયનો વિશ્વાસ

રેલી દરમિયાન મીડિયા સાથે વાત કરતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "હું સતત 10મી વખત કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યો છું. આ કોઈ મારો વ્યક્તિગત મોહ નથી, પરંતુ વડોદરાની જનતાનો મારા પ્રત્યેનો અતૂટ પ્રેમ અને વિશ્વાસ છે. લોકો જે રીતે મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા છે, તે સાબિત કરે છે કે પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે. મને ખાતરી છે કે જનતા મને ફરી એકવાર તેમની સેવા કરવાની તક આપશે."

મધુ શ્રીવાસ્તવનું ચોંકાવનારું નિવેદન

આ રેલીમાં સૌથી વધુ ચર્ચા ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની રહી હતી. પોતાના ભાઈ ચંદ્રકાંત શ્રીવાસ્તવના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાનમાં ઉતરેલા મધુ શ્રીવાસ્તવે ભાજપના ગઢ ગણાતા વડોદરામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, "હું 6 વાર ધારાસભ્ય રહી ચુક્યો છું. આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે. વડોદરામાં ભ્રષ્ટાચાર અને અન્યાય સામે લોકોમાં રોષ છે. મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન આવશે. અમારો પ્રયાસ કોંગ્રેસના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો છે."

આ પણ વાંચો: તમે કેટલા..માં...વેચાયા એ કો...! : શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને અગ્રણીની ઘેરાબંધી!

રાજકીય ગણિતમાં ગરમાવો

વોર્ડ નંબર 16 ની આ રેલીએ વિરોધી પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને મધુ શ્રીવાસ્તવ જેવી 'દબંગ' છબી ધરાવતી વ્યક્તિ જ્યારે કોંગ્રેસના પક્ષે પ્રચાર કરે છે, ત્યારે તેનાથી ભાજપના પરંપરાગત મતોમાં ગાબડું પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હવે જોવાનું એ રહેશે કે આ જંગી જનમેદની મતદાનના દિવસે કેટલા મતોમાં પરિવર્તિત થાય છે, પરંતુ હાલ પૂરતું તો વડોદરાનું રાજકારણ 'શ્રીવાસ્તવ બંધુઓ' ના કારણે કેન્દ્રસ્થાને આવી ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now