Vadodara News: ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડોદરા કોંગ્રેસમાં આંતરિક વિખવાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટિકિટ વહેંચણીમાં પક્ષના જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસમાં ભડકો થયો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને પ્રદેશના અગ્રણીઓને જાહેરમાં કાર્યકરો અને મુસ્લિમ સમાજના રોષનો ભોગ બનવું પડ્યું છે.
વચ્ચે રસ્તે ગાડી અટકાવી, પૂછ્યા તીખા સવાલો
ગઈકાલે રાત્રે વડોદરાના રસ્તાઓ પર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની ગાડી અટકાવી દીધી હતી. ઉશ્કેરાયેલા કાર્યકરોએ સીધો આક્ષેપ કર્યો હતો કે, "વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વફાદાર રહેલા મુસ્લિમ સમાજની અવગણના કરવામાં આવી છે." સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે રસ્તા પર ઉભેલા યુવાનોએ શહેર પ્રમુખને મોઢામોઢ સવાલ પૂછ્યો હતો કે તમે કેટલામાં વેચાયા એ તો કહો? પૈસા લઈને ટિકિટોનો સોદો કરવામાં આવ્યો છે!"
ટિકિટ વહેંચણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
કાર્યકરોનો આક્રોશ માત્ર ટિકિટ ન મળવા બાબતે જ નહીં, પણ જે રીતે ટિકિટોની વહેંચણી થઈ છે તેની સામે છે. વિરોધ કરી રહેલા લોકોએ આક્ષેપ કર્યો છે કે પક્ષ માટે લોહી-પરસેવો પાડનારા કાર્યકરોને સાઈડલાઈન કરાયા છે. ચોક્કસ વોર્ડમાં ટિકિટો વેચાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી.
"હવે કોંગ્રેસ નહીં ચાલે"-આક્રમક ચેતવણી
વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આ અન્યાય દૂર કરવામાં નહીં આવે, તો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસે ગંભીર પરિણામો ભોગવવા પડશે. કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે "હવે અમુક વોર્ડમાં કોંગ્રેસ નહીં ચાલે", જે પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.
શરમજનક સ્થિતિમાં મુકાયું નેતૃત્વ
જાહેરમાં થયેલા આ ઘેરાબંધી અને ગંભીર આક્ષેપોને કારણે ઋત્વિજ જોશી અને અન્ય નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. એકતરફ ભાજપ સામે લડવાની તૈયારી કરવાની છે, ત્યારે બીજી તરફ ઘરના જ લોકો બળવો કરી રહ્યા છે, જે વડોદરા કોંગ્રેસની નબળી પડતી પકડ તરફ ઈશારો કરે છે.
વડોદરામાં કોંગ્રેસની આ આંતરકલહ ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે તો સમય જ બતાવશે, પરંતુ હાલમાં તો પક્ષના શિસ્તના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.





