Home Gujarat Vadodara Vadodara Bootleggers Fatally Attack Rickshaw Puller And Rob Him Of Gold Chain

'તું SMCનો બાતમીદાર છે' : વડોદરામાં બુટલેગરો બેફામ, રિક્ષાચાલક પર જીવલેણ હુમલો કરી સોનાની ચેઈનની ચલાવી લૂંટ

Padra Bootleggers Attack on Rickshaw Driver
Published by: Nirali Gohil
Last Updated: Apr 04, 2026, 06:11 AM IST

Padra News: વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. રાયપુરા અને જાસપુરના કુખ્યાત બુટલેગરોએ પોલીસના બાતમીદાર હોવાની શંકા રાખી એક નિર્દોષ રિક્ષાચાલકને રસ્તામાં આંતરી ઢોર માર માર્યો હતો અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પાદરા પંથકમાં દારૂના ગેરકાયદે વેપલા સાથે સંકળાયેલા અસામાજિક તત્વો હવે સામાન્ય નાગરિકો માટે આફત સમાન બની રહ્યા છે. રાયપુરા અને જાસપુર પંથકના કુખ્યાત બુટલેગરોએ જાણે પોલીસનો ડર ગુમાવી દીધો હોય તેમ એક રિક્ષાચાલક પર જીવલેણ હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. બુટલેગરોની આ હિંમત પાછળ પોલીસની ઢીલી નીતિ જવાબદાર હોવાની ચર્ચાઓ પણ જોર પકડ્યું છે.

સમગ્ર બનાવની વિગત એવી છે કે, મહેશ માળી નામનો યુવક પોતાની રિક્ષા લઈને નિયમિત રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રાયપુરા અને જાસપુર વિસ્તારના છ જેટલા શખ્સોએ એકાએક તેની રિક્ષાને અધવચ્ચે આંતરી હતી. આરોપીઓએ મહેશ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નો બાતમીદાર હોવાનો ખોટો આક્ષેપ કર્યો હતો. બુટલેગરોએ રોષે ભરાઈને બૂમો પાડી હતી કે, "તું જ અમારા દારૂના અડ્ડાની માહિતી પોલીસને આપે છે, આજે તારી શાન ઠેકાણે લાવી દેવી છે." આટલું કહી તેને રિક્ષામાંથી નીચે ખેંચીને હુમલો શરૂ કરી દીધો હતો.

હથિયારો વડે હુમલો અને જાહેરમાં લૂંટ

રિક્ષામાંથી નીચે ઉતાર્યા બાદ હુમલાખોરોએ મહેશ માળી પર લાકડીઓ અને અન્ય ધારદાર હથિયારો વડે તૂટી પડ્યા હતા. જાહેરમાં તેને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે મહેશને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા દરમિયાન આરોપીઓએ માનવતા નેવે મૂકીને લૂંટ પણ ચલાવી હતી. આરોપીઓએ મહેશના ગળામાંથી આશરે 1 તોલાની સોનાની ચેઈન તોડી લીધી હતી અને તેના ખિસ્સામાં રહેલા ₹૧,૫૦૦ રોકડા પણ આંચકી લીધા હતા. લોહીલુહાણ હાલતમાં મુકીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ પણ વાંચો: વડોદરામાં મોટી દુર્ઘટના ટળી! : નેશનલ હાઈ-વે પર કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ: બ્રિજ પર અડધો કિલોમીટર સુધી જ્વાળાઓ ફેલાઈ, ભયાનક દ્રશ્યો

હુમલાખોરોની ઓળખ અને પોલીસને પડકાર

ભોગ બનનાર યુવક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, હુમલામાં રાયપુરાના મહેશ, ચિરાગ, ધનિક અને અજય તેમજ જાસપુરના અજય અને વુડાના મકાન પાસે રહેતા સંતોષના નામ સામે આવ્યા છે. આ શખ્સો પંથકમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. હુમલો કર્યા બાદ આરોપીઓએ અહંકારમાં આવીને બંગાર ફેંક્યો હતો કે, "પોલીસ અમારું કંઈ બગાડી શકવાની નથી." બુટલેગરોનો આ ખુલ્લો પડકાર પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરે છે.

સ્થાનિકોની કડક કાર્યવાહીની માંગ

હાલ પાદરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરી છે. જોકે, સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે માત્ર ધરપકડ પૂરતી નથી, પરંતુ આ અસામાજિક તત્વો સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે. જો પોલીસ આવા ગુંડાતત્વોને જલ્દી જેલના સળિયા પાછળ નહીં ધકેલે, તો ભવિષ્યમાં કોઈ પણ નિર્દોષ નાગરિક આ રીતે બુટલેગરોની અદાવતનો ભોગ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now