Home Gujarat Vadodara Vadodara Bjp Fight For Dominance In The Election Campaign Matter Reached Police Station Threatening To Threat

"બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે" : કહી ભાજપના જ બે હોદ્દેદારો આમને-સામને, જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Vadodara BJP Internal Feud
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 05:34 AM IST

Vadodara BJP Dispute: વડોદરામાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. વડોદરા ભાજપમાં જૂથવાદ અને હોદ્દેદારો વચ્ચેનો વિખવાદ હવે પોલીસ સ્ટેશનના ઉંબરે પહોંચ્યો છે. શહેરના વોર્ડ નંબર 5 માં પક્ષના જ બે જવાબદાર હોદ્દેદારો વચ્ચે વર્ચસ્વની લડાઈમાં જાનથી મારી નાખવાની ધમકી અને બિભત્સ ગાળાગાળીનો મામલો સામે આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ વિવાદને પગલે વોર્ડ નં. 5 ના ઉપપ્રમુખે પક્ષના જ સાથી અગ્રણી સામે બાપોદ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવી સુરક્ષાની માંગ કરી છે.

ઘટનાની વિગતો મુજબ, આ આંતરિક વિવાદની શરૂઆત આગામી ચૂંટણીના પ્રચાર પ્રસાર દરમિયાન થઈ હતી. ભાજપ હંમેશા શિસ્તબદ્ધ હોવાનો દાવો કરે છે, પરંતુ વડોદરાના આ કિસ્સામાં પક્ષની આબરૂના ધજાગરા ઉડ્યા છે. જ્યારે પક્ષના કાર્યકરો હીરાબાનગર વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે આંતરિક ખેંચતાણમાં મામલો બિચક્યો હતો. પક્ષના જ સભ્યો વચ્ચે જાહેર રસ્તા પર થયેલી આ બોલાચાલી હવે કાયદાકીય ગુંચમાં ફસાઈ છે.

ચૂંટણી પ્રચારમાં વર્ચસ્વની લડાઈ બની વિવાદનું કારણ

વોર્ડ નંબર 5 ના ભાજપ ઉપપ્રમુખ અક્ષય સુથારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે તેઓ હીરાબાનગર વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે પક્ષના જ અન્ય અગ્રણી કરસન રબારી સાથે કોઈ બાબતે જીભાજોડી થઈ હતી. આ વાતનું વેર રાખી કરસન રબારીએ અક્ષય સુથારને ફોન પર બિભત્સ ગાળો આપી હતી અને જાહેરમાં ભારે અપમાનિત કર્યા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે પ્રચાર દરમિયાન કામગીરીની વહેંચણી અને નેતૃત્વને લઈને કરસન રબારી અસંતુષ્ટ હતા.

આ પણ વાંચો: બિહારમાં 'સમ્રાટ'નો રાજ્યાભિષેક : સમ્રાટ ચૌધરી આજે 11 વાગ્યે લેશે CM પદના શપથ, શપથ પહેલા જ મળી કડક સુરક્ષા

"બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે" કહી ધમકાવ્યા

અક્ષય સુથારના જણાવ્યા અનુસાર, આરોપી કરસન રબારીએ તેમને ફોન કરીને ધમકી આપી હતી કે, "તું અત્યારે બહુ મોટો નેતા બનવા નીકળ્યો છે." આટલું કહીને આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે કરસન રબારી માથાભારે સ્વભાવના છે અને તેમની ગુનાહિત માનસિકતાને કારણે હવે અક્ષય સુથાર અને તેમના પરિવારમાં ફાળ પડી છે. આ ધમકી બાદ અક્ષય સુથારે તાત્કાલિક બાપોદ પોલીસ સ્ટેશન પહોંચી લેખિત અરજી આપી કડક કાર્યવાહીની માંગ કરી છે.

પોલીસ તપાસ શરૂ: સંગઠન શું પગલાં લેશે?

બાપોદ પોલીસે હાલ અક્ષય સુથારની અરજી સ્વીકારીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા મોબાઈલની કોલ ડિટેલ્સ અને જે સમયે વિવાદ થયો હતો તે સમયના પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ, વડોદરા ભાજપ સંગઠન પણ આ મામલે હરકતમાં આવ્યું છે. શિસ્તભંગના આ ગંભીર કિસ્સામાં પ્રદેશ નેતૃત્વ કે શહેર પ્રમુખ આ બંને હોદ્દેદારો સામે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.

વડોદરા ભાજપમાં જૂથવાદ વકર્યો

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી વડોદરા ભાજપમાં અલગ-અલગ વોર્ડમાં આંતરિક વિખવાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગણતરીના દિવસોમાં જ જ્યારે મતદાન થવાનું છે, ત્યારે પક્ષના જ હોદ્દેદારો વચ્ચેની આ 'ગેંગવોર' જેવી સ્થિતિ વિપક્ષને બેઠું થવા માટે મોકળું મેદાન પૂરું પાડી શકે છે. હાલ તો વોર્ડ નં. 5 નો આ વિવાદ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now