Home National Coronation Of Emperor In Bihar Samrat Chaudhary Take Sapath As Cm Today Tight Security Provided

બિહારમાં 'સમ્રાટ'નો રાજ્યાભિષેક : સમ્રાટ ચૌધરી આજે 11 વાગ્યે લેશે CM પદના શપથ, શપથ પહેલા જ મળી કડક સુરક્ષા

Bihar New CM Samrat Chaudhary
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 15, 2026, 05:47 AM IST

પટના: બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરી આજે સવારે 11 વાગ્યે લોકભવનના જર્મન હેંગરમાં આયોજિત ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. રાજ્યના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર કાર્યભાર સંભાળશે. શપથ ગ્રહણ પહેલા જ પ્રોટોકોલ મુજબ સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રીની સિક્યોરિટી ફાળવી દેવામાં આવી છે અને તેમના નિવાસસ્થાન કૌટિલ્ય નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

શપથવિધિ પૂર્વે સમ્રાટ ચૌધરીએ ધાર્મિક પરંપરા મુજબ પંચમુખી હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. તેમની સાથે જેડીયુ ક્વોટામાંથી વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નીતીશ કુમારે સોમવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે તેઓ રાજ્યસભામાં જશે, જેના કારણે બિહારમાં બે દાયકા જૂના નીતીશ યુગનો અંત આવ્યો છે.

નીતીશ કુમાર મારા રાજકીય ગુરુ: સમ્રાટ ચૌધરી

ભાજપ વિધાયક દળના નેતા તરીકે પસંદ થયા બાદ સમ્રાટ ચૌધરી ભાવુક દેખાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મેં નીતીશ કુમારજી પાસેથી સરકાર ચલાવવાની કળા શીખી છે. તેમની સાથે લાંબો સમય કામ કરવાનો અનુભવ મને બિહારના વિકાસમાં મદદરૂપ થશે. નીતીશજીએ જે સમૃદ્ધ બિહારનું સપનું જોયું છે, અમે તેને પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ વધુ ઊંચાઈએ લઈ જઈશું." ઉલ્લેખનીય છે કે, એનડીએની બેઠકમાં નીતીશ કુમારે જ સમ્રાટના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને સમ્રાટે પણ તેમના પગે લાગી આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો: પંજાબમાં કાળમુખો અકસ્માત : શ્રદ્ધાળુઓની બસ થાંભલા સાથે અથડાઈને પલટી, વીજ કરંટ લાગતા 6 ના કરૂણ મોત; 15 લોકો ઈજાગ્રસ્ત

રાજભવનમાં તૈયારીઓ પૂર્ણ, દિગ્ગજોનો જમાવડો

શપથવિધિ સમારોહ માટે રાજભવન અને લોકભવનમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ડીજીપી વિનય તિવારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સુરક્ષાનું નિરીક્ષણ કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને નીતિન નવીન પણ આ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. સમ્રાટ ચૌધરીના પિતા અને દિગ્ગજ નેતા શકુની ચૌધરી પણ પરિવાર સાથે રાજભવન પહોંચ્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, આ પાંચ પક્ષોનું મજબૂત એનડીએ ગઠબંધન છે જે બિહારના ભવિષ્યને ઉજ્જવળ બનાવશે.

ભાસ્કર સર્વેના પરિણામો પર વાગી મહોર

રસપ્રદ વાત એ છે કે, દૈનિક ભાસ્કર દ્વારા મુખ્યમંત્રીના ચહેરા માટે કરવામાં આવેલા સર્વેમાં પણ સમ્રાટ ચૌધરી લોકોની પહેલી પસંદ હતા. 4 થી 9 એપ્રિલ દરમિયાન થયેલા આ સર્વેમાં 34% લોકોએ સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી તરીકે જોવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. બિહારના 38 જિલ્લાઓમાં કરાયેલા આ સર્વેના પરિણામો આજે વાસ્તવિકતામાં ફેરવાઈ રહ્યા છે.

આ પણ વાંચો: આજે બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રીની તાજપોશી : નીતીશ રાજનો અંત અને સમ્રાટ શાસનની શરૂઆત, જાણો કોણ છે નવા CM સમ્રાટ ચૌધરી

ભાજપ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ

લાંબા સમય બાદ બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી બનતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પટના સ્થિત ભાજપ કાર્યાલયમાં મિજબાની અને ઉજવણીની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યભરમાંથી કાર્યકરો પટના પહોંચી રહ્યા છે અને અબિલ-ગુલાલની છોળો સાથે નવા મુખ્યમંત્રીનું સ્વાગત કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now